સુરત, 20 ફેબ્રુઆરી (હિ.સ.)-પંચાયત વેરા વસુલાત ગ્રામ પંચાયત સ્વભંડોળનો મહત્વનો ભાગ છે. પંચાયત વેરા વસુલાત વધારવા અંદાજિત છેલ્લા દસ દિવસથી જિલ્લા પંચાયત સુરત દ્વારા ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી પંચાયતોની આવક વધે અને વિકાસ માટે વધુ ભંડોળ ઉપલબ્ધ થતા ગામના વિકાસને વેગ મળશે. આ ભંડોળનો ઉપયોગ ગામમાં સ્વચ્છતા અને આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેના ભાગરૂપે સુરત જિલ્લામાં પંચાયત વેરા વસુલાત વધારવા માટે તા.22 અને 23મી ફેબ્રુઆરીએ ખાસ ઝુંબેશ હાથ ધરાશે. આ બંને જાહેર રજાના દિવસોમાં ગ્રામ પંચાયત કચેરી શરૂ રાખવામાં આવશે.
દરેક તાલુકામાં વેરા વસુલાતની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે જિલ્લા કક્ષાએથી વર્ગ -1 / 2 કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તે નોડલ અધિકારીએ તેઓને સોપેલી તાલુકાના ગ્રામ પંચાયતોની ટીમ સાથે મુલાકાત લઈ વેરા વસુલાતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. તેમજ બાકીદારોને વેરા ભરવા અંગેની જરૂરી કાર્યવાહી કરવા ગ્રામ પંચાયતને સૂચન આપવામાં આવ્યુ છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ શિવાની ગોયલે ઝુંબેશના ધોરણે થઈ પંચાયત વેરાવસુલાતની કામગીરીનું તાલુકાના વિવિધ ગામોની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી.
ગત સપ્તાહમાં ઝુંબેશના ભાગરૂપે વેરા વસુલાત વધારે કરી શકાય તે બાબતે માહિતગાર કરવા તલાટીઓ સેમિનાર પણ કરાયો હતો. તેવી જ રીતે તા.18મીના રોજ તલાટીઓની વેરા વસુલાતની કામગીરીની સમીક્ષા બેઠક મળી હતી.
સારી વસુલાતની ટકાવારી ધરાવતા તલાટીઓની સરાહનીય કામગીરી માટે બરદાવામાં આવ્યાં અને અન્ય તલાટીઓને લક્ષ્યાંક અનુસાર વેરાવસુલાતની ટકાવારી વધારવા સ્પષ્ટ નિર્દેશ અપાયા છે. ઝુંબેશના ભાગરૂપે થઈ રહેલ કામગીરીની સમીક્ષા બાબતે જિલ્લા કક્ષાએથી નિમાયેલ વર્ગ-1 તથા 2 કક્ષાના અધિકારી તથા તા.વિકાસ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.
ઝુંબેશના ભાગરૂપે ચોર્યાસી તાલુકાના મોરા ગ્રામ પંચાયત સ્ટાફ દ્વારા સોસાયટીમાં જાહેરાત કરી લોકોને પંચાયત વેરાની ભરપાઈ કરવા સમજ અપાઈ હતી. બારડોલી તાલુકાના બાબેન ગામમાં સફાઈ ટેમ્પો તેમજ ઈ-રિક્ષાના ઉપયોગથી માઈકથી જાહેરાત કરી લોકોને પંચાયત વેરો ભરવા માટે જાગૃત કરાયા હતા અને રાત્રિ વેરા વસુલાત કેમ્પ કરીને વસુલાતની કામગીરી કરી રહ્યા છે.
ઓલપાડ તાલુકાના કીમ ગ્રામ પંચાયતે ગત રવિવારે કચેરી ચાલુ રાખી એક દિવસમાં અંદાજિત રૂ. 1.00 લાખ જેટલી રકમની વસુલાત કરી હતી. જિલ્લા પંચાયત સુરતે ઝુંબેશમાં હકારાત્મક અભિગમ દાખવી આગામી તા.22 અને 23મી ફેબ્રુઆરીને ખાસ ઝુંબેશ દિવસ તરીકે રાખવાનું આયોજન કર્યું છે એમ જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.
------
---------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે