સુરત, 21 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરતમાં ફરજીયાત હેલ્મેટ અંગે ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી. શહેરના અનેક પોઇન્ટ ઉપર રાત્રે પણ પોલીસ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. રાતે ટુ-વ્હીલર ચલાવતા હોય તો હેલ્મેટ તો પહેરવું જ પડશે તેવો મેસેજ આપતા સુરતના તમામ રિજિયનમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ઘણા વાહનચાલકોને દંડ કરાયો હતો.
પોલીસ અધિકારીએ કહ્યું કે, ઘણા વાહનચાલકો રાતના સમયે હેલ્મેટ ન પહેરતા અથવા તો પોતાની ડિક્કીમાં રાખી મૂકતા હતાં. જેથી પોલીસ કમિશનરની સૂચના મુજબ રાત્રિ દરમિયાન જે વાહનચાલકો પોતાના રક્ષણ માટે પહેરવાના થતાં હેલ્મેટ ન પહેરે તેમને હેલ્મેટ પહેરતા થાય તે માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી.જેમાં અલગ અલગ પોઈન્ટ પર ઉભા રહીને કાર્યવાહી કરવામાં આવી હતી. ઘણા વાહનચાલકો સ્ટ્રીટ લાઈટ ન હોય તેવા અંધારામાં હેલ્મેટ ઉતારી દેતા હોવાનું સામે આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે