ગાંધીનગર, 21 ફેબ્રુઆરી (હિ.સ.) :
વિધાનસભા ગૃહમાં નવસારી જિલ્લાની જમીનોમાં ગેરકાયદેસર દબાણ કરીને ઝીંગા ઉછેર કેન્દ્ર કે ઝીંગા ફાર્મ ચાલી રહેલ હોવાની રજૂઆતો સંદર્ભે પૂછાયેલ પ્રશ્નનો ઉત્તર આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ગેરકાયદેસર દબાણ કરીને ઝીંગા ઉછેર કેન્દ્ર કે ઝીંગા ફાર્મ ચલાવતા લોકો સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, તા. 31/12/2024 ની સ્થિતિએ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામનો અહેવાલ તા. 23/12/2024 ના રોજ, કરાંખટ ગામનો અહેવાલ તા. 01/02/2025 ના રોજ જ્યારે વાંસી અને બોરસી ગામનો અહેવાલ તા. 01/01/2025 ના રોજ મળ્યા છે.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, મહેસૂલ વિભાગે તા. 01/09/2024 થી આજ સુધી રાજ્યના કુલ 471 સર્વે નંબરોની કુલ 2240 હેક્ટર સરકારી પડતર જમીનમાંથી દબાણો દૂર કરેલ છે, જેની જંત્રી આધારીત કિંમત આશરે રૂપિયા 890 કરોડ થાય છે. રાજ્યમાં હાલમાં સરકારી પડતર જમીનોમાંથી દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ છે. જે અંતર્ગત જમીન મહેસૂલ કાયદાની કલમ- 61 હેઠળ નિયમોનુસાર પ્રક્રિયા પૂર્ણ કરી બનતી ત્વરાએ દબાણ દૂર કરવામાં આવે છે, તેમ પણ મંત્રી એ ઉમેર્યું હતું.
મત્સ્ય ઉછેર માટે જમીન ભાડા પટ્ટે આપવા બાબતે પ્રત્યુત્તર આપતા મંત્રી એ ઉમેર્યું કે, ભાડાપટ્ટાની મુદ્દત પ્રથમ તબક્કે 20 વર્ષની હોય છે. આ મુદ્દત બાદ જમીન જે શરતોએ ફાળવી હોય તે તમામ શરતોનું પાલન કરવામાં આવે છે તેની ખાતરી કર્યા બાદ ભાડાપટ્ટાની મુદ્દત બીજા તબક્કે 10 વર્ષ લંબાવી શકાય છે. ત્યારબાદ ભાડાપટ્ટો લંબાવવા કલેકટરશ્રીએ સરકારની મંજુરી લેવાની હોય છે.
ભાડા પટ્ટાની જમીનના દર વિશે માહિતી આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, વ્યક્તિ અને સ્વ સહાય જૂથને પ્રથમ 3 વર્ષ માટે પ્રતિ હેકટર રૂ. 1000 ત્યારબાદ ૪ થી 6 વર્ષ માટે પ્રતિ હેકટર રૂ. 5000, 6 વર્ષ બાદ સાતમા વર્ષે, 3 વર્ષના ગાળા માટે 15 % નો વધારો વસૂલવાનો રહેતો હોય છે જ્યારે સહકારી મંડળીઓના કિસ્સાઓમાં હરાજી માટેની તળીયાના ભાવ રૂ. 5000 પ્રતિ હેકટર અને કંપનીના કિસ્સામાં હરાજી માટેની તળીયાના ભાવ રૂ. 10000 પ્રતિ હેકટર છે. સહકારી મંડળી તથા કંપની દ્વારા બોલી લગાવી જે કિંમત નક્કી થાય તે કિંમત પ્રથમ 3 (ત્રણ) વર્ષ માટે વસૂલવાની રહે છે. 4 થી 6 વર્ષ માટે 20 % નો વધારો વસૂલવામાં આવે છે. 6 વર્ષ બાદ સાતમા વર્ષે દર 3 (ત્રણ) વર્ષના ગાળા માટે 15 % નો વધારો વસૂલવાનો રહે છે તેમ પણ મંત્રી એ ઉમેર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ