પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદર જિલ્લા પંચાયતનું સામાન્ય સભામાં વર્ષ 2025-26 નું બજેટ રજુ કરવામાં આવ્યું હતું, જિલ્લા પંચાયતનાં સભાખંડમાં પ્રમુખ પરબતભાઈ પરમારનાં અધ્યક્ષ સ્થાને વિકાસ લક્ષી બજેટ રજુ કરવામાં આવ્યું હતું જેમાં છેવાડાનાં ગામડાઓનાં વિકાસ તેમજ સિંચાઈનાં કામોને અગ્રતા આપવામાં આવી છે.
આ સામાન્ય સભામાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.બી.વદર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક રેખાબા સરવૈયા, ઉપપ્રમુખ ભારતીબેન ભુવા તેમજ જિલ્લા પંચાયતનાં સદસ્યો અને વિવિધ શાખાનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતનાં બજેટને લઇને પ્રમુખ પરબતભાઈ એ એવું જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ભારત વિકાસનાં સંકલ્પને સાકાર કરતુ આ બજેટ છે જેમાં જિલ્લાનાં વિકાસનાં કામો માટે 1.27 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, નાણાંપંચના ૩૫ કામોનાં 2.10કરોડ, નવા નાણાંપંચનાં કામો માટે ૨ કરોડ જેટલી રકમ વિકાસનાં કામોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને નાના ખેડૂતોને સબસીડી માટે તેમજ સિંચાઇ અને રોડ રસ્તાનાં કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેમજ જિલ્લા પંચાયત કચેરીનાં રીનોવેશન માટે પણ બે કરોડ જેવી રકમની ફાળવણી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારનાં વિકાસ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya