- પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં એસીબીની સફળ ટ્રેપ
અમદાવાદ,22 ફેબ્રુઆરી (હિ.સ.) ફાયર એનઓસી આપવા માટે લાંચ માંગનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને રૂપિયા 65,000ની લાંચ લેતા એસીબી એ રંગેહાથ ઝડપી પાડ્યા છે. એસીબી ને ફરિયાદ મળી હતી કે, પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઇનાયત શેખ દ્વારા ફાયર એનઓસી ની ફાઈલો પાસ કરવાની 80,000 લાંચ માગી હતી. જેમાંથી રૂપિયા 15,000 જે તે સમયે ફરિયાદી પાસેથી લઈ લીધા હતા. જોકે, આજે એસીબીએ છટકું ગોઠવીને બાકીની લાંચના રૂપિયા લેતા ઇનાયત શેખને ઝડપી પાડ્યો છે. એસીબી દ્વારા હાલ ડિવિઝનલ ફાયર ઓફિસરની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે ફરિયાદી ખાનગી એજન્સી ચલાવી સરકારી તથા ખાનગી બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવાની તથા ફાયર એનઓસી ને લગતા કન્સલ્ટિંગનું કામ કરે છે. ફરિયાદી દ્વારા એક બિલ્ડિંગની ફાયર એનઓસી મેળવી આપવાનું કન્સલ્ટિંગ કામ રાખ્યું હતું. જે બિલ્ડિંગની ફાયર એનઓસી મેળવવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરી ફાઈલ બનાવી પ્રહલાદનગર ખાતે આવેલી ફાયર સ્ટેશન ઓફિસમાં ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખની કચેરી ઓફિસમાં મોકલી આપી હતી. જે ફાયર એનઓસી અંદાજીત ત્રણ મહિના સુધી ના મળતા આ કામના ફરિયાદી ઇનાયત શેખને તેની ઓફિસમાં રૂબરૂ મળવા આવ્યા હતા.
ઇનાયત શેખે ફાયર એનઓસી આપવાના અવેજ પેટે રૂપિયા 80,000ની લાંચ માગી હતી. પરંતુ ફરિયાદી લાંચના નાણા આપ્યા નહોતા. જે બાદ ફરિયાદીને ફાયર એનઓસી મળી ગઈ હતી. બાદમાં ઇનાયત શેખે ફરિયાદીને રૂબરૂમાં મળીને તેને આપવામાં આવેલી ફાયર એનઓસી ના વ્યવહારના રૂપિયા 80,000 નહીં આપે તો ભવિષ્યમાં ફરિયાદીની ફાયર એનઓસી ને લગતી ફાઈલ એપ્રુવ થશે નહીં તેવી ગર્ભિત ધમકી આપી હતી. જેથી ફરિયાદી પાસેથી જે તે દિવસે રૂપિયા 15,000 લાંચના લઈ લીધા હતા. બાકીના રૂપિયા 65,000ની અવારનવાર માગણી કરતો હતો.
જે લાંચની રકમ ફરિયાદી આફવા માગતો ન હતો જેથી તેણે એસીબી નો સંપર્ક કર્યો હતો. આજે 22 ફેબ્રુઆરીના રોજ શનિવારે ઇનાયત શેખે ફરિયાદી સાથે લાંચની માગણી સંબંધેની હેતુલક્ષી વાતચીત કરી હતી. ફરિયાદી પાસેથી લાંચના નાણાં રૂપિયા 65,000 લેતા એસીબી એ ડિવિઝનલ ફાયર ઓફિસરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ