•આગ લાગતા લોકોએ તેમજ ફાયર ફાઇટરોએ આગ ઓલવવા પ્રયાસ કર્યા
•10 ઝૂંપડા અને ગરીબોની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ
•સરકાર તેમજ સામાજિક સંસ્થાઓ ગરીબોની પડખે રહે અને સહાય કરે તેવી માંગ
ભરૂચ 22 ફેબ્રુઆરી (હિ.સ.). ભરૂચ વોર્ડ નંબર ત્રણમાં આવેલા શક્તિનાથ મહાદેવ મંદિર પાસે આવેલી સરકારી આવાસની દિવાલને અડીને દસ ઝૂંપડાઓમાં ગરીબ મજૂરી વર્ગના ઝૂંપડાઓમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. જેના પગલે આજુબાજુમાં રહેતા રહેવાસીઓ સહિત મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં નાશભાગ મચી જવા પામી હતી.
ભરૂચના વોર્ડ નંબર 3 માં વર્ષોથી શક્તિનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલ સરકારી આવાસની દીવાલને અડીને 10 જેટલા શ્રમિક પરિવાર ઝુપડાઓ બાંધીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા .જેમાં એકાએક ઝૂંપડાઓમાં આકસ્મિક આગ ફાટી નીકળી હતી.આગની ઘટનામાં એક બાદ એક એમ 8 થી 10 ઝૂંપડાઓને પોતાની લપેટમાં લેતા શ્રમિક પરિવાર અને નજીમમાં આવેલા સ્થાનિકો રહેવાસીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ સ્થાનિક કોર્પોરેટરો અને રહેવાસીઓ દ્વારા પાલિકા ફાયરને કરતા તાત્કાલિક ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી બે ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો.પરંતુ દુઃખ ની વાત એ છે કે આગની ઘટનામાં ઝુપડામાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતા શ્રમજીવી પરિવારજનોના માથે દુઃખનો આભ ફાટી પડ્યો છે.
10 ઝૂંપડામાં આગ લાગતા તેમાં ઘરવખરી સહિત તેમના ઝૂંપડા સળગીને રાખ થઈ ગયા હતા.હવે આ ગરીબોનો આસરો અને ઓટલો બન્ને જતા રહ્યા છે ત્યારે સામાજિક સંસ્થાઓ આગળ આવી સહાય કરે તે આવકાર્ય છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ