પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.). 21 ફેબ્રુઆરી 2025ના રોજ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સહયોગથી કવિ સંમેલનનું આયોજન કરાયું. આ કાર્યક્રમના દિશા-દર્શનમાં કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદ રહ્યા.
કવિ સંમેલનમાં જાણીતા કવિઓ ભાવિન ગોપાણી, મધુસૂદન પટેલ, તેજસ દવે અને કવયિત્રી શ્વેતા ઠક્કરે પોતાની રચનાઓ રજૂ કરી. ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. રુપેશભાઈ ગોસ્વામીએ કાર્યક્રમની ભૂમિકા રજૂ કરી અને આચાર્યશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું.
કવિ તેજસ દવેએ કાર્યક્રમનું સંચાલન કર્યું, અને ગુજરાતી વિભાગના અધ્યાપક હાર્દિક પ્રજાપતિએ આભારવિધિ કરી. કાર્યક્રમમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને આમંત્રિત મહેમાનો સહિત સૌએ કવિતાઓની સુંદર પ્રસ્તુતિનો આનંદ માણ્યો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર