જૂનાગઢ,22 ફેબ્રુઆરી (હિ.સ.) ગ્રામીણ વિસ્તારની બહેનોને આર્થિક રીતે પગભર અને સશક્ત કરવા માટેનો માધ્યમ બનેલા એવા સરસ મેળા-2025 ને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમરે ખુલ્લો મુક્યો હતો. જૂનાગઢ સ્થિત એ.જી.સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ સરસ મેળામાં ગ્રામીણ વિસ્તારની સ્વ સહાય જૂથો એટલે કે સખી મંડળની બહેનો દ્વારા હાથ બનાવટ સહિતની વિવિધ કલાત્મક ચીજ વસ્તુઓ ઉપરાંત ગાય આધારિત અને આયુર્વેદિક પ્રોડક્ટસનું વેચાણ સહ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આ માટે રાજ્યભરમાંથી આવેલા સખીમંડળની બહેનો માટે 50 જેટલા સ્ટોલ્સ કરવામાં આવ્યા છે. તે સાથે આ મેળામાં પધારતા લોકો લાઈવ ફૂડની મજા માણી શકે તે માટે પાંચ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પી.એ.જાડેજા, આ સ્ટોલ્સની મુલાકાત કરી, સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓની જાણકારી મેળવી હતી. આ બહેનોને પગભર થવા માટે અભિનંદન આપવાની સાથે પ્રોત્સાહિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સખી મંડળના બહેનોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સશક્તિકરણ કરવાના સાથે આશય સાથે આ પ્રદર્શન સહ વેચાણ હેતુથી સરસ મેળાનું આયોજન કરવામાં આવે છે.
ભારત સરકારના ગ્રામીણ વિકાસ અને ગુજરાત સરકારના ગ્રામ વિકાસ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીવૂડ પ્રમોશન કંપની લિ. દ્વારા આયોજિત આ સરસ મેળાના શુભારંભ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય મંજુલા ઢોલરીયા, અર્જુન આહિર, બળવંત સુંધરવા સહિતના પદાધિકારીઓ, અધિકારી-કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ