- 275 લાખના ખર્ચે તૈયાર થનાર વિશ્રામ ગૃહમાં વી.આઈ.પી. સ્યુટ રૂમ,કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ સહિતની પાયાની સુવિધાઓ કરાશે ઉપલબ્ધ
રાજકોટ/અમદાવાદ,22 ફેબ્રુઆરી (હિ.સ.) જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે વિંછીયા તાલુકાના કોટડા ગામ ખાતે 275.98 લાખના ખર્ચે તૈયાર થનાર વિશ્રામ ગૃહનું ભૂમિ પૂજન કરાયું હતું.
આ તકે મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, આ વિશ્રામ ગૃહ ધંધુકાથી ગોંડલ સુધીના સ્ટેટ હાઈ- વે પર સુવિધાયુક્ત બનાવવામાં આવશે. આશરે 854.16 ચોરસ મીટરમાં બનનાર વિશ્રામ ગૃહમાં ગ્રાઉન્ડ ફ્લોર પ્રકારનું આર.સી.સી. મકાન, બે વી.આઇ.પી. સ્યુટ રૂમ, 7 સિંગલ ડિલક્ષ રૂમ, સીટીંગ લોજ, કિચન તથા ડાઇનીંગ, સ્ટોર રૂમ, કોન્ફરન્સ હોલ, દિવ્યાંગ ટોઇલેટ, મેનેજર કેબીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત કેમ્પસ એરીયા ડેવલોપમેન્ટ તરીકે પાર્કિંગ શેડ, સી.સી.રોડ, કમ્પાઉન્ડ વોલ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, બોર તથા પમ્પ રૂમ, ગાર્ડન અને લેન્ડ સ્કેપીંગ જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે.
વધુમાં મંત્રીએ જસદણ અને વિંછીયા તાલુકામાં સિંચાઈ, ખેડૂતો માટે વિવિધ યોજનાઓ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ, તળાવો ઊંડા કરવાની કામગીરી, ડેમના કામો, રસ્તાઓના કામો, મગફળી ખરીદી સેન્ટર, સૌની યોજનાની કામગીરી તેમજ નજીકના ભવિષ્યમાં થનાર વિવિધ વિકાસના કામો અંગે વિગતવાર માહિતી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ