મોડાસા, 22 ફેબ્રુઆરી (હિ.સ.) ભિલોડાની વાંદિયોલ પંચાયત વિસ્તારના લોકોએ પડતર વિકાસના કામોના પ્રશ્ન એક મહિના અગાઉ પદયાત્રા કરીને ભિલોડા તાલુકા પંચાયત સુધી પદયાત્રા કરીને ધરણાં યોજી તાલુકા વિકાસ અધિકારીને વિકાસના કામોના પ્રશ્ને આવેદન આપ્યું હતું. આ રજૂઆતને એક મહિનો વિતવા છતાં સત્તાવાળાઓ દ્વારા વાદિયોલ પંચાયત વિસ્તારમાં સર્વે કામગીરી કે કોઈ અધિકારી પર ન ફરકતાં ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. તેથી સરપંચ રાહુલકુમાર સુરેશભાઈ ગામેતીએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે.વાદિયોલ ગ્રુપ ગામ પંચાયતમાં હસ્તકના અસાલ, સોડપુર, વજાપુર, કાદવિયા, નવાગરા નવી વસાહત દાંતિયા જેવા ગામો આઝાદીના સમયથી આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી ગયા હોવાની ગ્રામજનોની બૂમ ઉઠી છે.
ઉપરોક્ત ગામોમાં રસ્તાઓ લાઈટ પાણી ડામર રોડ થી જોડતાં મુખ્ય રસ્તા પાકા કરવા તેમજ પ્રાથમિક શાળાઓના કંપાઉન્ડવોલ, પાણી તેમજ મેશ્વો નદી ઉપર તૂટી ગયેલા ચેક ડેમો રિપેર કરવા તેમજ વાદિયોલથી નેશનલ હાઈવને જોડતો મુખ્ય રસ્તો પાકો કરવા છેલ્લા કેટલાય સમયથી પંચાયત અને ગ્રામજનો દ્વારા માંગણી કરાઈ રહી છે. તેમ છતાં પણ ઉપરોક્ત વિસ્તારોમાં વિકાસના કામો ન થતાં લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો.મહિના અગાઉ પદયાત્રા કર્યા બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ