રાજકોટ/અમદાવાદ,22 ફેબ્રુઆરી (હિ.સ.) રાજકોટમાં માધાપર ચોકડી નજીક આયોજીત સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું. પરંતુ લગ્ન સમયે જ આયોજકો ગાયબ થઈ જતા અને લગ્નસ્થળે કોઈ વ્યવસ્થા ન હોવાથી પરણવા આવેલા વરવધૂ અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મૂકાયા હતા. રાજકોટ સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં વર-કન્યા અને જાનૈયાઓ રઝળી પડ્યા હતા. પોલીસે પહોંચી લગ્નવિધિ સંપન્ન કરવાની જવાબદારી ઉપાડી લીધી.
રાજકોટમાં માધાપર ચોકડી નજીક આયોજીત સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ થઈ જતા અને લગ્નસ્થળે કોઈ વ્યવસ્થા ન હોવાથી પરણવા આવેલા વરવધૂ અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મૂકાયા હતા. રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લામાંથી લોકો જાન જોડીને પરણવા પહોંચ્યા હતા પરંતુ, અહીં કોઈ વ્યવસ્થા જ ન હતી અને આયજકો પણ ગાયબ હતા જેના કારણે જાન લીલા તોરણે જ પરત ફરવા લાગતા કન્યાો રડી પડી હતી. તો બીજી તરફ પરિવારજનોએ હોબાળો મચાવતા રાજકોટ પોલીસ દોડી આવી હતી અને માનવતાવાદી વલણ અપનાવી લગ્નની વિધિ સંપન્ન કરાવવાની જવાબદારી લીધી હતી.
રાજકોટ પોલીસે લગ્નવિધિ શરૂ કરાવ્યા બાદ જે આયોજક સામે આક્ષેપો થયા તેની સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. તો બીજી તરફ આયોજક ચંદ્રેશ છત્રોલાએ પોતાની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં એડમિટ હોવાનુ સ્ટેટસ મૂક્યું હોવાનું જાણવા મળ્યું છે. સમૂહલગ્નના આયોજકોએ વર અને કન્યાપક્ષ પાસેથી 15 થી 40 હજાર રૂપિયા ફી પેટે લીધા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં માધાપર ચોકડી નજીક આવેલી એડીબી હોટલ સામે આવેલા ગ્રાઉન્ડમાં ઋષિવંશી સમાજનાં નામે 28 સર્વજ્ઞાતિય દીકરીઓનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે બધા પરિવારો પાસેથી રૂ. 15થી 40,000 ઉઘરાવી લેવામાં આવ્યા હતા જોકે આજે લગ્નના દિવસે સવારથી પરિવારો આવ્યા તો કોઈપણ આયોજકો હાજર હતા નહીં. જેના કારણે આ અંગે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં હાલ પોલીસ દોડી આવી છે. અને સૌપ્રથમ જે લોકોના લગ્ન અટક્યા હોય તે લગ્નો પૂર્ણ કરાવવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.
સમૂહલગ્ન સ્થળ પર હોબાળો થતા રાજકોટના એસીપી રાધિકા ભારાઈ, ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિતનો પોલીસ કાફલો લગ્નસ્થળ પર પહોંચ્યો હતો. આ સમયે કેટલાક વરઘોડિયા તો લીલાતોરણે પરત ચાલ્યા ગયા હતા. પોલીસે સ્થિતિને પારખીને પોતે જ લગ્નવિધિ સંપન્ન કરાવવાની જવાબદારી લીધી હતી અને જે વરઘોડિયા પરત ગયા હતા તેઓને બોલાવ્યા હતા અને લગ્નવિધિ શરૂ કરાવી હતી. એસીપી રાધિકા ભારાઈએ કહ્યું હતું કે, આયોજકો સામે ગુનો નોંધવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ