પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ એક મોટી કાર્યવાહી કરી છે, જેમાં વાસ્મો કચેરી (પાણી પુરવઠા બોર્ડનું ઉપક્રમ)ના આસિસ્ટન્ટ ટેક્નિકલ એન્જિનિયર રવિ શાંતિલાલ દરજીને 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડવામાં આવ્યા.
આ કેસમાં ફરિયાદીએ સરકારની નલ સે જળ યોજના અંતર્ગત 2022-23માં સમી તાલુકામાં પાણીની પાઈપલાઈન નાખવાનું કામ કરેલું હતું. આ કામના છેલ્લેના હપ્તા માટે 38,44,598 રૂપિયાનું બિલ પેન્ડિંગ હતું, જેને આરોપીએ કપાત કર્યા વિના જમા કરવા માટે 1 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી અને પાટણ ACBનો સંપર્ક કર્યો. ACBએ છટકું ગોઠવીને જલભવન કચેરીના કંપાઉન્ડમાં આરોપીને લાંચ લેતા પકડી પાડ્યો. આ કાર્યવાહી ACB પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.ચૌધરીના નેતૃત્વમાં કરવામાં આવી, અને સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન ACB બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલે કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર