રાજકોટ/અમદાવાદ,22 ફેબ્રુઆરી (હિ.સ.) રાજકોટની ઇન્સ્ટાગ્રામ-ક્વીન 'તોફાની રાધા'નો આપઘાત.સોશિયલ મીડિયામાં તોફાની રાધા તરીકે જાણીતી 26 વર્ષીય રાધિકા ધામેચા નામની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.
રાજકોટ શહેરમાં માતા-પિતાથી અલગ રહેતી અને ઇન્સ્ટાગ્રામમાં ફેમસ બનેલી તોફાની રાધા એટલે કે રાધિકા ધામેચા ગઈકાલે રાત્રિના સમયે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાત કરતા પહેલા એટલે કે ગઈકાલે સાંજના 7 વાગ્યા આસપાસ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર ‘પના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ’ ડાયલોગ સાથે સ્ટેટ્સ મૂક્યું હતું અને પિતાને પણ ફોન કરી હું જાઉં છું કહી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. જો કે, આપઘાતનું ચોક્કસ કારણ સામે ન આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ જરૂરી પંચનામા સહિતની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે કયા કારણોસર રાધિકા ધામેચા દ્વારા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો છે તે બાબતે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગત અનુસાર, રાજકોટમાં instagram ક્વીન તરીકે જાણીતી તોફાની રાધા રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા તુલસી માર્કેટ સામે રહેતી હતી. તાજેતરમાં તેણી ગોવા પણ ફરવા ગઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ