વડોદરા, 23 ફેબ્રુઆરી (હિ.સ.)-સાવલી તાલુકામાંથી ફરી એક વખત સિન્થેટિક ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ છે. જિલ્લા એસઓજીએ મોક્સી ગામની સીમમાં આવેલા એક શેડ પર આજે રાત્રે દરોડો પાડીને એક કરોડ ઉપરાંતની કિંમતનું સિન્થેટિક ડ્રગ્સ કબજે કરી ફેક્ટરીમાં વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ડ્રગ્સની ફેક્ટરી ધમધમે છે તેવી માહિતી જિલ્લા પોલીસને મળી હતી જેના આધારે એસઓજીના પીઆઇ જે.એમ. ચાવડા તેમજ સ્ટાફના માણસોએ આજે રાત્રે દરોડો પાડયો હતો. સ્થળ પર એક ખેતરમાં શેડ બનાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે શેડમાં એન્ટ્રી કરતાં જ દોડધામ મચી ગઇ હતી.
દરમિયાન પોલીસે એક શખ્સને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક શખ્સને પકડવાની કાર્યવાહી ચાલું છે. પ્રાથમિક માહિતી મુજબ ખેતરમાં બનાવેલા આ શેડમાં સિન્થેટિક ડ્રગ્સ બનાવાતું હતું. પોલીસે ડ્રગ્સ બનાવવા માટેનું મટિરિયલ કબજે કર્યું હતું જેની પ્રાથમિક કિંમત અંદાજિત એક કરોડ જેટલી થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ માહિતીના આધારે અન્ય સ્થળે પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને હજી વધુ ડ્રગ્સનો જથ્થો મળે તેવી શક્યતા છે.
મોક્સી ગામે ડ્રગ્સની ફેક્ટરી ઝડપાયા બાદ સમગ્ર વિસ્તાર પોલીસે કોર્ડન કરીને તપાસ હાથ ધરી છે. રાત્રે એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ખેતર કોનું છે તેમજ ફેક્ટરીમાં શેડ કોને બનાવ્યો અને ડ્રગ્સ નેટવર્કનો સૂત્રધાર કોણ છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે