નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી) અને પેટીએમ એ, ભારતમાં ફિનટેક અને મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે હાથ મિલાવ્યા છે. આ અંતર્ગત, કંપની સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન, માળખાગત સુવિધા સહાય, બજાર ઍક્સેસ અને ભંડોળની તકો પૂરી પાડશે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારે ભારતમાં નવીનતાને પ્રોત્સાહન આપવા અને ઉત્પાદન અને ફિનટેક સ્ટાર્ટઅપ્સના વિકાસને વેગ આપવા માટે પેટીએમ (વન 97 કોમ્યુનિકેશન લીમીટેડ) સાથે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. ડીપીઆઈઆઈટીના ડિરેક્ટર સુમિત કુમાર જરંગલ અને પેટીએમના સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) વિજય શેખર શર્મા દ્વારા, વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
મંત્રાલયે જણાવ્યું હતું કે, આ સહયોગ હેઠળ, પેટીએમ સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન, માળખાગત સુવિધા સપોર્ટ, બજાર ઍક્સેસ અને ભંડોળની તકો પૂરી પાડશે, જે તેમને વિસ્તરણ અને નવીનતા લાવવામાં મદદ કરશે. ડીપીઆઈઆઈટીના સંયુક્ત સચિવ સંજીવે જણાવ્યું હતું કે, પેટીએમની નાણાકીય ટેકનોલોજી કુશળતા અને માળખાગત સુવિધાનો ઉપયોગ કરીને, અમારું લક્ષ્ય ઉદ્યોગસાહસિકોને પડકારોને દૂર કરવામાં અને તેમના સાહસોને વધારવામાં મદદ કરવાનું છે.
પેટીએમના સ્થાપક વિજય શેખર શર્માએ જણાવ્યું હતું કે, પેટીએમ માર્ગદર્શન, નાણાકીય સહાય અને અત્યાધુનિક ટેકનોલોજીની પહોંચ દ્વારા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. પેટીએમ વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડની માલિકીની છે.
ઉલ્લેખનીય છે કે, ડીપીઆઈઆઈટી એ અગાઉ પ્રોફેશનલ ફોરમ અપના, રુકમ કેપિટલ, અવના કેપિટલ, ભાણે ગ્રુપ, ફ્લિપકાર્ટ અને આઈટીસી સહિત અનેક કંપનીઓ સાથે સમાન કરારો પર હસ્તાક્ષર કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ