મુંબઈ, નવી દિલ્હી, 29 મે (હિ.સ.). ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માં પણ ભારત, વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર રહેશે. ભારતીય અર્થતંત્રને વધતા વપરાશ, બેંકો અને કોર્પોરેટ્સની સ્વસ્થ બેલેન્સ શીટ દ્વારા મદદ મળશે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, તેના વાર્ષિક અહેવાલમાં આ વાત કહી છે.
આરબીઆઈ એ ગુરુવારે જાહેર કરેલા તેના વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે, ભારતીય અર્થતંત્ર તેના મજબૂત મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ, મજબૂત નાણાકીય ક્ષેત્ર અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો લાભ લઈને ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માં સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર રહેશે.
રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલ મુજબ, આ એવી પરિસ્થિતિ છે જ્યારે વૈશ્વિક નાણાકીય બજારની અસ્થિરતા, ભૂ-રાજકીય તણાવ, વેપાર વિભાજન, પુરવઠા શૃંખલામાં વિક્ષેપો અને આબોહવા-પ્રેરિત અનિશ્ચિતતાઓ વૃદ્ધિના દૃષ્ટિકોણ માટે નકારાત્મક જોખમો અને ફુગાવાના દૃષ્ટિકોણ માટે સકારાત્મક જોખમો ઉભા કરી રહી છે. કેન્દ્રીય બેંકના મતે, ખર્ચ બાજુએ વપરાશ માંગ અને ચોખ્ખી નિકાસમાં સુધારો અને સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ અને પુરવઠા બાજુએ કૃષિ ઉત્પાદનમાં સુધારો થવાથી ભારતની આર્થિક પ્રવૃત્તિમાં વધારો થયો છે.
એ નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2024-25માં દેશનો વાસ્તવિક કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ દર ઘટીને 6.5 ટકા થયો હોવા છતાં, ભારત સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર રહ્યું છે. કેન્દ્ર સરકાર શુક્રવાર, 30 મેના રોજ નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે જીડીપી ડેટા જાહેર કરવા જઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ