ગાંધીનગર, 18 જૂન (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) નાણાકીય સ્વનિર્ભરતા અને શહેરી વિકાસના ક્ષેત્રે એક ઐતિહાસિક પગલું ભરવા જઈ રહી છે. ગુજરાતની નાની મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત મ્યુનિસિપલ બોન્ડ ઈશ્યૂ કરીને ગાંધીનગર મહાનગરપાલિકા એક નવો ઈતિહાસ રચશે. આ ઐતિહાસિક બોન્ડ ઇશ્યૂઅન્સનો ભવ્ય સમારોહ 25 જૂન, 2025 ના રોજ સવારે 10:00 થી 11:30 કલાક દરમિયાન ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાશે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ની મંજૂરી સાથે આ બોન્ડ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના પોર્ટલ પર લિસ્ટ થશે, જે રોકાણકારો માટે સરળ અને પારદર્શક પ્લેટફોર્મ પૂરું પાડશે.
નાગરિકોના કલ્યાણ માટે મૂડી બજારનો ઉપયોગ
આ મ્યુનિસિપલ બોન્ડનો મૂળ હેતુ ગાંધીનગર મહાનગરપાલિકાને નાણાકીય રીતે સ્વાવલંબી બનાવવાનો અને માત્ર સરકારી અનુદાન પરની નિર્ભરતા ઘટાડીને મૂડી બજારમાંથી નાણાં એકત્ર કરવાનો છે. આ ભંડોળનો ઉપયોગ સીધો નાગરિકોના કલ્યાણ માટેના મહત્વના અને તાત્કાલિક જરૂરિયાતના પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટે થશે. આ બોન્ડ દ્વારા એકત્ર થનારા ₹25 કરોડ નો ઉપયોગ શહેરના બે અત્યંત મહત્વપૂર્ણ માર્ગોના વિકાસ માટે થશે: CH-0 થી રક્ષાશક્તિ સર્કલ અને ધોળાકુવા સર્કલ થી પંચેશ્વર સર્કલ સુધીના માર્ગોનું આધુનિકીકરણ અને સુધારણા કરવામાં આવશે. આ રોડ ડેવલપમેન્ટથી શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનમાં સુધારો થશે, મુસાફરી વધુ સરળ બનશે અને નાગરિકોના દૈનિક જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થશે. આ પહેલ ભારત સરકારના નીતિ આયોગ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રાલય (MoHUA) તેમજ ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ છે, જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
મ્યુનિસિપલ બોન્ડ: એક પડકારજનક પણ પારદર્શક પ્રક્રિયા
મ્યુનિસિપલ બોન્ડ ઇશ્યૂ કરવો એ કોઈ સરળ કાર્ય નથી; તે માટે સઘન આયોજન, કડક મૂલ્યાંકન અને ઉચ્ચ સ્તરની પારદર્શિતા જરૂરી છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ આ પ્રક્રિયાના દરેક તબક્કે શ્રેષ્ઠતા જાળવી રાખી છે. બોન્ડ ઇશ્યૂ કરતા પહેલા, મહાનગરપાલિકાની નાણાકીય સ્થિતિ અને સેવાઓની ચકાસણી સ્વતંત્ર ક્રેડિટ રેટિંગ એજન્સીઓ દ્વારા કરવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાએ બે પ્રતિષ્ઠિત ક્રેડિટ રેટિંગ એજન્સીઓ પાસેથી ઉચ્ચ રેટિંગ પ્રાપ્ત કર્યું છે: CRISIL Ratings Ltd દ્વારા AA-, અને CARE Edge Ratings Ltd દ્વારા AA. આ ઉચ્ચ રેટિંગ્સ મહાનગરપાલિકાની મજબૂત નાણાકીય સ્થિતિ અને કાર્યક્ષમ વ્યવસ્થાપનનો પુરાવો છે, જે રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં મદદ કરશે.
વધુમાં, SEBI ની માર્ગદર્શિકા મુજબ, મહાનગરપાલિકાએ પરંપરાગત કેશ-બેઝ એકાઉન્ટિંગના સ્થાને આધુનિક એક્યુઅલ-બેઝ એકાઉન્ટિંગ સિસ્ટમ અપનાવી છે, જેનું ઓડિટ પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આનાથી રોકાણકારોને મહાનગરપાલિકાની નાણાકીય પરિસ્થિતિની સ્પષ્ટ, વાસ્તવિક અને પારદર્શક માહિતી મળશે, જે જવાબદેહી અને વિશ્વાસને મજબૂત બનાવશે.
રોકાણની વિશિષ્ટ તક અને ભવિષ્ય માટે એક દૃષ્ટાંત
આ બોન્ડનું મૂલ્ય ₹1,00,000 પ્રતિ બોન્ડ છે, અને રોકાણકારોએ ઓછામાં ઓછા 10 લોટ (₹10,00,000) નું રોકાણ કરવાનું રહેશે. આ બોન્ડ ખાસ કરીને હાઈ નેટ-વર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ (HNI) માટે ઉપલબ્ધ છે, અને તેનું સબ્સ્ક્રિપ્શન 20 જૂન, 2025 ના રોજ માત્ર એક કલાકના ટૂંકા સમયગાળા માટે ખુલશે. આ રોકાણ માત્ર આર્થિક વળતર જ નહીં, પરંતુ ગાંધીનગરના વિકાસમાં સીધો ફાળો આપવાની પણ તક પૂરી પાડે છે.
ગુજરાતમાં અગાઉ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવી મોટી મહાનગરપાલિકાઓએ મ્યુનિસિપલ બોન્ડ ઈશ્યુ કરીને વિકાસના કામો હાથ ધર્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકા આ શ્રેણીમાં જોડાઈને નાની મહાનગરપાલિકાઓ માટે એક નવું અને પ્રેરણાદાયક ઉદાહરણ સ્થાપિત કરશે. આ પગલું શહેરના નાગરિકોના જીવનધોરણને ઉચ્ચ બનાવવા અને શહેરી વિકાસની નવી દિશા ખોલવા માટે અત્યંત મહત્વનું છે. આ બોન્ડ ઇશ્યૂ ગાંધીનગરને આત્મનિર્ભરતા અને પ્રગતિના પથ પર આગળ ધપાવશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ