૨૯૩ મતદાન મથકોનું થશે લાઈવ વેબ કાસ્ટિંગ, મતદાન પ્રક્રિયાના નિરીક્ષણ અને દેખરેખ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરશે: ૪૦ કર્મચારીઓ કરશે મોનિટરિંગ
જુનાગઢ, 18 જૂન (હિ.સ.) ૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા મુકત, ન્યાયી અને પારદર્શિતા રીતે તેમજ આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ સાથે સંપન્ન થાય તે માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી સમગ
૨૯૩ મતદાન મથકોનું થશે લાઈવ વેબ કાસ્ટિંગ, મતદાન પ્રક્રિયાના નિરીક્ષણ અને દેખરેખ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરશે: ૪૦ કર્મચારીઓ કરશે મોનિટરિંગ


જુનાગઢ, 18 જૂન (હિ.સ.) ૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા મુકત, ન્યાયી અને પારદર્શિતા રીતે તેમજ આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ સાથે સંપન્ન થાય તે માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે.

૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે તા.૧૯ જુનના રોજ મતદાન થનાર છે. જે અન્વયે ૨૯૩ મતદાન મથકો પર મતદાન થનાર છે. ત્યારે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ૧૦૦ ટકા મતદાન મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગ એટલે કે મતદાન મથક પર વેબકાસ્ટિંગ કેમેરા દ્વારા વોચ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ જૂનાગઢ જિલ્લામાં ૨૯૩ મતદાન મથકો પર લાઈવ વેબ કાસ્ટિંગ કરાશે. એક માત્ર કનકાઈ મતદાન મથક માં જ વીડીયોગ્રાફી થશે.

૨૯૪ મતદાન મથકો પર કેમેરા ગોઠવવામાં આવશે. જેમાં મતદાન અધિકારી દ્વારા મતદારની ઓળખ કરવાની કાર્યવાહી, મતદારની આંગળી ઉપર અવીલોપ્ય શાહી લગાવવી, મતદારની ઓળખ થઈ ગયા બાદ પ્રીસાઈડીંગ ઓફિસર દ્વારા કંટ્રોલ યુનિટ શરૂ કરવું. ઇ.વી.એમ.ના બેલેટ યુનિટમાં મત આપવા જતા મતદારની મતકુટીરની મુલાકાત. પરંતુ બેલેટ યુનિટનો કોઈપણ ભાગ કેમેરામાં દેખાવો જોઈએ નહીં. જેથી મતદાનની ગુપ્તતા જળવાઈ રહે. ઉપરાંત મતદાન બંધ કરતી વખતે ઈ.વી.એમ. અને વીવીપેટ સીલ કરવાની કાર્યવાહી તથા મતદાન એજન્ટોને ફોર્મ ૧૭-ક પુરા પાડવાની કાર્યવાહીનું રેકોર્ડીગ કરાશે.

આ વેબ કાસ્ટિંગની કામગીરી પર નિરીક્ષણ અને નિયંત્રણ માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં ૪૦ જેટલા કર્મચારીઓને દેખરેખ રાખવા માટે ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત સુપર વિઝનની કામગીરી જિલ્લાના વેબકાસ્ટિંગ માટેના નોડલ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત વિસાવદરના માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં તમામ મતદારો નિર્ભિકપણે અને ઉત્સાહપૂર્વક ભાગ લઈ મહત્તમ મતદાન કરવા પ્રેરાય તે માટે જૂનાગઢ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande