પાટણ, 18 જૂન (હિ.સ.) : પાટણ પોલીસ હેડક્વાર્ટર્સમાં કેન્ટીન મેનેજર અને સ્ટોર અધિકારી તરીકે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ પલાસે આજે પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. સરકારી નાણાંની ઉચાપતના ગુનામાં ફરાર થયેલા પલાસ સામે હવે પોલીસ રિમાન્ડની માંગ કરી શકે છે. વકીલ એસ.પી. નિમાવત મુજબ, કોર્ટમાંથી આરોપીનો કબજો મળ્યા બાદ આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આરોપ છે કે પ્રતાપભાઈ પલાસે જાન્યુઆરી 2022થી ડિસેમ્બર 2023 વચ્ચે કેન્ટીન મેનેજર તરીકે ફરજ બજાવતા પોલીસ વેલ્ફેર દ્વારા ખરીદવામાં આવેલા ફટાકડાના વેચાણમાંથી મળેલી રૂ. 8,38,610ની નફાની રકમ ફંડમાં જમા ન કરાવી. આ ગેરરીતિ તેમણે પોતાની પત્નીની મદદથી આચરી હતી અને આ રકમ પોતાના અંગત હિત માટે વાપરી હતી.
આ કેસમાં પાટણના PI કે.જે. ભોયેએ 3 જુલાઈ 2024ના રોજ પ્રતાપભાઈ વિરુદ્ધ ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાવ્યો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. હાલમાં કેસની તપાસ સિદ્ધપુરના DySP કે.કે. પંડ્યા કરી રહ્યા છે. હવે પલાસના આત્મસમર્પણ પછી તપાસમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર