પાટણ, 18 જૂન (હિ.સ.) : પાટણ પોલીસે બાતમીના આધારે પદમનાથ ચાર રસ્તા પાસે રોકેલી હેરીયર કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે. GJ-27-EB-7934 નંબરની ગાડીમાંથી ₹4.30 લાખના વિદેશી દારૂની નાની-મોટી બોટલો અને બીયરના કુલ 1561 ટીન મળી આવ્યા હતા.
પોલીસે મહેસાણા જિલ્લાના વિરસોડા ગામના બે શખ્સો, અર્જુનસિંહ ઝાલા (26) અને મોહબતસિંહ ઝાલા (27)ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે તેઓ આર્થિક ફાયદા માટે રાજસ્થાનથી દારૂ હેરાફેરી કરી રહ્યા હતા. દારૂનો જથ્થો સુરેશ બિશ્નોઇએ ભરી આપ્યો હતો અને એક અજાણ્યા શખ્સને પહોંચાડવાનો હતો.
પોલીસે ₹10 લાખની હેરીયર ગાડી, ₹30 હજારના બે મોબાઇલ ફોન અને એક કાળું કપડું મળી કુલ ₹14.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂ આપનાર અને લેનાર શખ્સ હજુ ફરાર છે. પોલીસે તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર