નવી દિલ્હી, 27 જૂન (હિ.સ.) લાંબા સમયથી સમાચારમાં રહેલી અભિનેત્રી કાજોલની ફિલ્મ 'માં' આખરે 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને કાજોલના દમદાર અભિનય તેમજ તેની વાર્તાને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે, હવે ફિલ્મ સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે, જે માત્ર કાજોલ માટે જ નહીં પરંતુ ફિલ્મના નિર્માતાઓ માટે પણ મોટો ઝટકો સાબિત થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમાચાર ફિલ્મના પ્રદર્શન અને કમાણી પર સીધી અસર કરી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાજોલની ફિલ્મ 'માં' રિલીઝ થયાના થોડા કલાકો પછી જ ઇન્ટરનેટ પર લીક થઈ ગઈ છે. આ ફિલ્મ ટેલિગ્રામ, તમિલરોકર્સ, ફિલ્મીઝિલા અને મૂવીરુલ્ઝ જેવી કુખ્યાત પાયરસી સાઇટ્સ પર ગેરકાયદેસર રીતે ઉચ્ચ ગુણવત્તામાં ઉપલબ્ધ છે. લોકો તેને મફતમાં ડાઉનલોડ કરી રહ્યા છે અને ઘરે બેઠા જોઈ રહ્યા છે, જેના કારણે સિનેમાઘરોમાં દર્શકોની સંખ્યા પર અસર પડી રહી છે. આ પ્રકારની પાયરસી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર નકારાત્મક અસર કરે તેવી શક્યતા છે, જેના કારણે નિર્માતાઓને ભારે નુકસાન થઈ શકે છે.
ફિલ્મ 'માં'નું દિગ્દર્શન વિશાલ ફુરિયા દ્વારા કરવામાં આવ્યું છે, જેમને પહેલા નુસરત ભરૂચાની હોરર ફિલ્મો 'છોરી' અને 'છોરી 2' માટે પ્રશંસા મળી હતી. આ ફિલ્મમાં બાળ કલાકાર ખીરીન શર્મા કાજોલની પુત્રીની ભૂમિકા ભજવી રહી છે. આ ઉપરાંત, ફિલ્મમાં ઇન્દ્રનીલ સેનગુપ્તા, રોનિત રોય અને જિતિન ગુલાટી પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ અજય દેવગન અને જ્યોતિ દેશપાંડે દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, 'મા'ના પ્રમોશનને આગળ વધારવા માટે, થિયેટરમાં એક ઓફર પણ ચાલી રહી છે, ફિલ્મની બે ટિકિટ ખરીદવા પર, એક ટિકિટ મફત આપવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ