નવી દિલ્હી, 29 જૂન (હિ.સ.) ઓસ્ટ્રેલિયાએ બાર્બાડોસના બ્રિજટાઉનમાં
રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં, વેસ્ટ ઈન્ડિઝને 159 રનથી હરાવીને ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી
લીધી છે. આ ટેસ્ટ મેચમાં થર્ડ અમ્પાયરના આવા ઘણા નિર્ણયો હતા, જેના પર વેસ્ટ
ઈન્ડિઝ ટીમના મુખ્ય કોચ ડેરેન સેમીએ વાંધો ઉઠાવ્યો હતો. હવે ડેરેન સેમી પર થર્ડ
અમ્પાયરના નિર્ણયો પર સવાલ ઉઠાવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ
ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)
એ તેમને મેચ ફીના
15 ટકા દંડ
ફટકાર્યો છે. આ સાથે, તેમના શિસ્ત
રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે.
હકીકતમાં, વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ
મેચમાં, થર્ડ અમ્પાયર
એડ્રિયન હોલ્ડસ્ટોક દ્વારા કેટલાક નિર્ણયો આપવામાં આવ્યા હતા.જેના કારણે વિવાદ
થયો હતો. વેસ્ટ ઈન્ડિઝના મુખ્ય કોચ ડેરેન સેમીએ આ નિર્ણયો પર નારાજગી વ્યક્ત કરી
હતી અને પ્રેસ કોન્ફરન્સમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે,” તમે તમારી જાતને એવી પરિસ્થિતિમાં
મૂકવા માંગતા નથી જ્યાં તમે ચોક્કસ અમ્પાયરો વિશે વિચારી રહ્યા છો. શું આ ટીમ
વિરુદ્ધ કંઈ છે? પરંતુ જ્યારે તમે
એક પછી એક નિર્ણય જુઓ છો,
ત્યારે આ પ્રશ્ન
ઉભો થાય છે.”
આ પછી, આઈસીસીએ, હવે અમ્પાયરના નિર્ણયો વિરુદ્ધ બોલવા બદલ સેમી સામે
કાર્યવાહી કરી છે. આઈસીસીના અનુસાર, વેસ્ટ ઈન્ડિઝના મુખ્ય કોચ ડેરેન સેમીને પ્રથમ મેચના બીજા
દિવસે આઈસીસી આચાર સંહિતાના
લેવલ 1નું ઉલ્લંઘન કરવા
બદલ મેચ ફીના 15 ટકા દંડ
ફટકારવામાં આવ્યો છે. સેમીને આઈસીસી આચાર સંહિતાના કલમ 2.7નું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો, જે આંતરરાષ્ટ્રીય
મેચમાં બનેલી ઘટના અથવા ખેલાડી, ખેલાડી સહાયક કર્મચારીઓ, મેચ અધિકારી અથવા આંતરરાષ્ટ્રીય મેચમાં ભાગ લેતી ટીમ સામે
જાહેર ટીકા અથવા અયોગ્ય ટિપ્પણીઓ સાથે સંબંધિત છે. વધુમાં, સેમીના
શિસ્તભંગના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે, જે 24 મહિનાના
સમયગાળામાં તેનો પહેલો ગુનો છે.
આઈસીસીના અનુસાર, સેમીએ પોતાનો ગુનો સ્વીકાર્યો અને પ્રસ્તાવિત સજા સ્વીકારી
લીધી, તેથી ઔપચારિક
સુનાવણીની કોઈ જરૂર નહોતી. વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ
ગુરુવાર, 3 જુલાઈથી રમાશે.
હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ