પાટણ, 4 જૂન (હિ.સ.)પાટણ શહેરમાં ચાણસ્મા હાઈવેથી પાયોનીયર કિડ્સ સ્કૂલ તરફના માર્ગ પર નગરપાલિકાએ નવા રોડનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે. વોર્ડ નં-11માં રામાપીરના મંદિરથી નારી હોસ્પિટલ થઈ પાયોનીયર સ્કૂલ હરીપુરા સુધીના સીસી રોડના કામ માટે 7.5 લાખના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભાજપ કાર્યાલયની બાજુમાં આવેલી નારી હોસ્પિટલથી પાયોનીયર કિડ્સ સ્કૂલ સુધીના માર્ગ પર દર ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હતી. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને તકલીફનો સામનો કરવો પડતો હતો. સાથે જ આસપાસની સોસાયટીઓમાં ગંદકી ફેલાવાની સમસ્યા પણ ઉભી થતી હતી.
નગરપાલિકાના પ્રમુખ હિરલબેન અજયકુમાર પરમાર અને વોર્ડના સુધરાઈ સભ્ય જયેશ પટેલની ઉપસ્થિતિમાં નવા રોડના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી સુવિધા પછી વરસાદી પાણીના નિકાલની સમસ્યા હલ થશે અને સ્થાનિક રહીશોને મોટો રાહત મળશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર