સુરત, 5 જૂન (હિ.સ.)- સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામે હૃદયવિદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં એક કુતરું જમીન પર સુવડાવેલી એક વર્ષની બાળકીને મોંમાં લઈ ભાગી ગયું. આ ઘટના ત્યારે બની જ્યારે બાળકીની માતા નજીકમાં જમવાનું બનાવી રહી હતી. માતાની ચીસ-પુકાર બાદ આસપાસના 200થી વધુ લોકો એકઠા થયા અને કુતરાની પાછળ દોડ્યા હતા. છતાં કુતરું બાળકીને લઈને નજીકના શેરડીના ખેતરમાં ઊંડે ભાગી ગયું.
પોલીસ, ફાયર બ્રિગેડ, ફોરેસ્ટ વિભાગ, તેમજ સુરત મહાપાલિકાની ટીમે સતત શોધખોળ શરૂ કરી છે. છતાં કલાકો વીતી ગયા છતાં બાળકીને કોઈ ભાળ મળી નથી. હાલ શોધમાં ડૉગ સ્કવૉડ, એફએસએલ અને ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે.
આ દુર્ઘટનાગ્રસ્ત બાળકીના માતાપિતા મજૂરીના કામ માટે વાવ ગામે આવેલા શરણમ રેસિડન્સીની પાસે રહે છે. ઘટનાથી દળાયેલ માતા તથા સ્થાનિક લોકોમાં ભય અને દુઃખનો માહોલ છવાયો છે. બુધવારે વહેલી સવારે પણ શોધખોળ ચાલુ રાખવામાં આવી છે પરંતુ અત્યાર સુધી કોઈ નિશાન મળ્યું નથી.
પોલીસે બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે