નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.). વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી સિંગાપોર અને ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે. વર્ષ 2020માં પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને દેશો વચ્ચે લશ્કરી ગતિરોધ સર્જાયા બાદ ડૉ. જયશંકર પહેલી વાર ચીનની મુલાકાતે છે.
ડૉ. એસ. જયશંકર, આજથી સિંગાપોર અને ચીનના પ્રવાસે જઈ રહ્યા છે. જયશંકર રવિવારે સિંગાપોરમાં તેમના સમકક્ષ સાથેની બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. તેઓ 15 જુલાઈથી ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ની વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અને મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થશે.
વિદેશ મંત્રી ડૉ. જયશંકર બીજિંગમાં તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ પછી, તેઓ 14-15 જુલાઈના રોજ એસસીઓ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે તિયાનજિન જશે. એસસીઓ એ ચીનના નેતૃત્વ હેઠળનું બહુપક્ષીય જૂથ છે, જેમાં ભારત અને પાકિસ્તાન સહિત નવ કાયમી સભ્યોનો સમાવેશ થાય છે.
ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ સમય દરમિયાન, ભારત અને ચીનના વિદેશ પ્રધાનો દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવાની પ્રક્રિયા અને ઓટોમોબાઈલ સહિત વિવિધ ઉત્પાદનોના ઉત્પાદન માટે જરૂરી દુર્લભ ધાતુઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ