શ્રીનગર, નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) છેલ્લા 10 દિવસમાં 1.82 લાખથી વધુ યાત્રાળુઓએ અમરનાથ યાત્રા કરી છે અને રવિવારે 7,049 યાત્રાળુઓનો બીજો સમૂહ જમ્મુથી કાશ્મીર જવા રવાના થયો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, 3 જુલાઈના રોજ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં, 1.82 લાખથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુફાની મુલાકાત લઈને દર્શન કર્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમને આશા છે કે યાત્રા સરળતાથી અને શાંતિથી ચાલી રહી હોવાથી આજે આ સંખ્યા બે લાખને પાર કરશે.
સેના, બીએસએફ, સીઆરપીએફ, એસએસબી અને સ્થાનિક પોલીસની હાલની તાકાત વધારવા માટે સીએપીએફ ની 180 વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
સેનાએ અદ્યતન દેખરેખ અને યુદ્ધ ટેકનોલોજી સાથે 8,500 થી વધુ સૈનિકો તૈનાત કરીને ઓપરેશન શિવા 2025 શરૂ કર્યું છે. સેનાએ જણાવ્યું હતું કે, નાગરિક વહીવટ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો સાથે સંકલનમાં શરૂ કરાયેલ આ વિશાળ ઓપરેશન, બાલતાલ અને પહેલગામ બંને રૂટ પર બહુ-સ્તરીય સુરક્ષા ગ્રીડ પ્રદાન કરવા માટે રચાયેલ છે.
સેનાએ જણાવ્યું હતું કે, આ વ્યાપક તૈનાતીના ભાગ રૂપે, ડ્રોન-આધારિત ખતરાઓનો સામનો કરવા માટે 50 થી વધુ સી-યુએએસ અને ઈડબ્લ્યુ (ઇલેક્ટ્રોનિક યુદ્ધ) સિસ્ટમ્સ ધરાવતી સમર્પિત કાઉન્ટર-યુએએસ (માનવરહિત હવાઈ સિસ્ટમ) ગ્રીડ તૈનાત કરવામાં આવી છે.
સેનાએ જણાવ્યું હતું કે, યાત્રા કાફલાઓ અને પવિત્ર ગુફા પર યુએવી (ડ્રોન) અને પીટીઝેડ કેમેરા ફીડ્સ દ્વારા સક્રિય દેખરેખ રાખવામાં આવી રહી છે. પુલ નાખવા, ટ્રેક પહોળો કરવા અને ભૂસ્ખલન નિવારણ જેવા માળખાગત કાર્યો માટે એન્જિનિયર ટાસ્ક ફોર્સ તૈનાત કરવામાં આવ્યા છે.
આ કામગીરીમાં 150 થી વધુ ડોકટરો અને પેરામેડિક્સ, બે અદ્યતન ડ્રેસિંગ સ્ટેશન, નવ તબીબી સહાય પોસ્ટ, 100 બેડની હોસ્પિટલ અને 2 લાખ લિટર ઓક્સિજનથી સજ્જ 26 ઓક્સિજન બૂથનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સિગ્નલ કંપનીઓ, ઈએમઈ ટેકનિકલ ટુકડીઓ અને બોમ્બ નિકાલ ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે.
બેઝ કેમ્પ બંને તરફ જતા તમામ ટ્રાન્ઝિટ કેમ્પ અને જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી પવિત્ર ગુફા તરફના સમગ્ર માર્ગને સુરક્ષા દળો દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / રાધા પંડિત / બલવાન સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ