નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, ચાર નવા સભ્યો ઉજ્જવલ દેવરાવ નિકમ, સી. સદાનંદન માસ્ટર, હર્ષવર્ધન શ્રૃંગલા અને મીનાક્ષી જૈનને રાજ્યસભામાં નોમિનેટ કર્યા છે.
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા જાહેરનામા અનુસાર, ભારતના બંધારણની કલમ 80 ની પેટા કલમ (1) ની પેટા કલમ (a) માં આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને અને ઉપરોક્ત કલમની પેટા કલમ (3) સાથે વાંચીને, રાષ્ટ્રપતિએ ઉજ્જવલ દેવરાવ નિકમ, સી. સદાનંદન માસ્ટર, હર્ષવર્ધન શ્રૃંગલા અને ડો. મીનાક્ષી જૈનને રાજ્યસભામાં નોમિનેટ કર્યા છે જેથી નામાંકિત સભ્યોની નિવૃત્તિને કારણે ખાલી જગ્યાઓ ભરી શકાય.
નામાંકિત સભ્યોમાં, ઉજ્જવલ દેવરાવ નિકમ એક જાણીતા વકીલ છે, જેમણે મુંબઈ આતંકવાદી હુમલામાં જીવતા પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને ફાંસી અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જ્યારે સી. સદાનંદન માસ્ટર કેરળના એક વરિષ્ઠ સામાજિક કાર્યકર અને શિક્ષણશાસ્ત્રી છે. હર્ષવર્ધન શ્રૃંગલા ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ છે. મીનાક્ષી જૈન, એક પ્રખ્યાત ઇતિહાસકાર અને શિક્ષણશાસ્ત્રી છે. આ નામાંકનો અગાઉ નામાંકિત સભ્યોની નિવૃત્તિને કારણે ખાલી પડેલી બેઠકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ