બીજિંગ, નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, ચીનની રાજધાની બીજિંગ પહોંચ્યા છે. બીજિંગ પહોંચ્યા પછી તરત જ તેઓ ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને મળ્યા. એક્સ પોસ્ટ પર મુલાકાતનો ફોટો અપલોડ કરતા જયશંકરે લખ્યું, આજે બીજિંગ પહોંચ્યા પછી તરત જ, મને ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને મળીને આનંદ થયો. ચીનના એસસીઓ અધ્યક્ષપદ માટે ભારતનો ટેકો વ્યક્ત કર્યો.
વિદેશ મંત્રી જયશંકરે લખ્યું કે, આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો સુધારવા પર ધ્યાન આપવામાં આવ્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તેમની મુલાકાત સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવશે. સિંગાપુરથી બીજિંગ પહોંચતા પહેલા, તેઓ રવિવારે ત્યાના નાયબ વડા પ્રધાન ગાન કિમ યોંગને મળ્યા. તેમણે કહ્યું કે, તેઓ ત્રીજી ભારત-સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજી પરિષદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જયશંકરે કહ્યું કે, સિંગાપુર સાથે વિવિધ દ્વિપક્ષીય પહેલો સતત આગળ વધી રહી છે.
અગાઉ જયશંકર, તેમના સમકક્ષ વિવિયન બાલકૃષ્ણનને મળ્યા. જયશંકરે કહ્યું કે, સિંગાપુર અમારી એક્ટ ઇસ્ટ નીતિના કેન્દ્રમાં છે. આ બેઠક વિશે વાત કરતા, બાલકૃષ્ણને એક એક્સ પોસ્ટમાં કહ્યું, જેમ જેમ વિશ્વ બહુધ્રુવીયતા તરફ આગળ વધી રહ્યું છે, તેમ ભારત તકના આ મુખ્ય ધ્રુવોમાંના એક તરીકે વધુને વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે, ચીનની તેમની મુલાકાત દરમિયાન વિદેશ પ્રધાન જયશંકર, તિયાનજિનમાં શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) પરિષદમાં હાજરી આપશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ