કિંગ્સ્ટન (જમૈકા), નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.). ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં શરમજનક હાર બાદ, ખાસ કરીને અંતિમ ટેસ્ટમાં ફક્ત 27 રનમાં આઉટ થયા બાદ ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (સીડબ્લ્યુઆઈ) એ કડક પગલું ભર્યું છે. બોર્ડે તેની ક્રિકેટ સ્ટ્રેટેજી કમિટીની કટોકટી બેઠક બોલાવી છે, જેમાં સર ક્લાઈવ લોયડ, સર વિવિયન રિચાર્ડ્સ અને બ્રાયન લારાને ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
સીડબ્લ્યુઆઈ ના પ્રમુખ ડૉ. કિશોર શાલોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તાત્કાલિક અસરથી, મેં ક્રિકેટ સ્ટ્રેટેજી અને કાર્યકારી સમિતિના અધ્યક્ષને ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની ટેસ્ટ શ્રેણી, ખાસ કરીને અંતિમ મેચની સમીક્ષા કરવા માટે કટોકટી બેઠક બોલાવવાની સલાહ આપી છે.
આ બેઠકમાં પહેલાથી જ સામેલ ડૉ. શિવનારાયણ ચંદ્રપોલ, ડૉ. ડેસમંડ હેન્સ અને ઇયાન બ્રેડશો જેવા ભૂતપૂર્વ દિગ્ગજોની સાથે, આ મહાન બેટ્સમેનોના મંતવ્યો પણ લેવામાં આવશે.
ભૂતપૂર્વ સ્પિનર દીનાનાથ રામનારાઈને સોશિયલ મીડિયા પર બોર્ડની ટીકા કરતો એક નિંદાત્મક લેખ શેર કર્યો છે. તેમણે લખ્યું, બોર્ડના સભ્યો પોતાને મનસ્વી પગાર આપે છે, ખેલાડીઓની પસંદગી વ્યક્તિગત વફાદારીના આધારે કરવામાં આવે છે, અને રાષ્ટ્રીય ટીમના પ્રદર્શનને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. તેમણે આગળ કહ્યું, જ્યારે ચાહકો ચુપચાપ રમતથી દૂર જઈ રહ્યા છે, ત્યારે અધિકારીઓ તેમની ખુરશીઓ સાથે ચોંટી ગયા છે. હાર પછી પણ કોઈ આત્મનિરીક્ષણ નથી, કોઈ જવાબદારી નથી. રામનારાઇન એ પણ યાદ અપાવ્યું કે, આ એ જ સિસ્ટમ છે જેના કારણે વેસ્ટ ઈન્ડિઝને યુએસએ જેવી ટીમ સામે 100 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે 27 રનમાં ઓલઆઉટ થવાની શરમનો સામનો કરવો પડી રહ્યો છે.
સીડબ્લ્યુઆઈ પ્રમુખે સ્પષ્ટતા કરી કે, આ મીટિંગ ફક્ત પ્રતીકાત્મક નથી, આ એ જ લોકો છે જેમણે આપણા ક્રિકેટના સુવર્ણ યુગને વ્યાખ્યાયિત કર્યો છે. તેમનું વિઝન આપણા ક્રિકેટના ભવિષ્યને આકાર આપવામાં અત્યંત ઉપયોગી થશે. અમારો ઉદ્દેશ્ય આ મીટિંગમાંથી નક્કર અને અમલમાં મૂકી શકાય તેવા સૂચનો મેળવવાનો છે. જોકે, મીટિંગ ક્યારે અને ક્યાં થશે તેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ એ ચોક્કસ છે કે આ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટમાં મોટા પરિવર્તનની શરૂઆત હોઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ