જામનગર, 16 જુલાઈ (હિ.સ.) : જામનગરના માજી રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહજી સાથે ગુરુપૂર્ણિમાના દિવસે અદાણી ગ્રૂપના ઉદ્યોગકારની મુલાકાત થઈ હતી. જે બાદ બંને વચ્ચે વ્યાપારિક સંબંધોની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. દરમિયાન માજી રાજવી શત્રુશલ્યસિંહજી દ્વારા આ અંગે પ્રતિક્રિયા અપાઈ છે.
જામસાહેબના પ્રત્યુતરમાં જણાવાયા અનુસાર, ઉદ્યોગપતિ અદાણી સાથે હું ધંધો કરું એ તો કીડી અને હાથી ભેગા થઇને કામ કરે તેના જેવું થાય એટલે સાથે ધંધો કરવાનો કોઇ સવાલ છે નથી અને સવાલ હોઇ પણ ન શકે, આમ પણ હું કોઇ ધંધાર્થી વ્યક્તિ છું જ નહીં. ખરી હકીકત તો એ છે કે ઉદ્યોગપતિ અદાણી ને મેં વિનંતી કરી છે કે હું એમને મારી જેટલી અગત્યની સ્થાવર મિલકત છે, જેને ડેવલપ કરવા આપું તો અદાણી જામનગરને ફરી પાછું પેરિસ ઓફ ઇન્ડિયા બનાવી દે, એમણે મારી આ કલ્પનાને પ્રેમથી સ્વીકારેલી છે, એટલે મેં મારી અગત્યની સ્થાવર મિલકતો એમને ડેવલપ કરવા સોંપી દીધી છે. મેં આ મિકલતોને વેંચી નથી અને ન્યૂનતમ રકમથી ડેવલપ કરવા કાયદેસર રીતે એમને હક્ક આપેલ છે, હવે પછી જામનગરને અદાણી એમના વિચારોથી અને ત્રેવડથી આગળ વધારીને મારા સ્વપ્ન મુજબનું સુંદર બનાવશે, જેના માટે મેં મારી ડેવલપ થવા લાયક સ્થાવર મિલકતો એમને સોંપેલ છે. હવે હું તેવી અપેક્ષા રાખું છું કે હું મારી અગત્યની સ્થાવર મિલ્કતોનો ભોગ આપું અને અદાણી તેની કલ્પનાથી તેની ત્રેવડ વાપરી અને જામનગરને ખૂબ આગળ વધારશે અને સુંદર પણ બનાવશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ