ભુજ - કચ્છ, 16 જુલાઈ (હિ.સ.) કચ્છમાં ભારે વરસાદને કારણે જિલ્લા મથક ભુજ શહેરના વિવિધ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હોય ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ વોર્ડમાં મેટલિંગ કરીને પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. સફાઈ સહિતના કામો પણ હાથ ધરાયા છે.
કાદવ કીચડ સામે મેટલિંગ ચાલુ
ભુજ નગરપાલિકા દ્વારા ટ્રેક્ટરથી મેટલિંગ કરીને પેચવર્કથી ખાડાઓને રીપેર કરવામાં આવી રહ્યા છે. વરસાદ પડે ત્યારે રોડ ઉપર કાદવ કીચડની પરિસ્થિતિ ઊભી થતી હોય છે જેને પહોંચી વળવા હાલ ભુજ નગરપાલિકા દ્વારા રસ્તાઓની સાફ સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
રાત દિવસ થાય છે કામગીરી
નગરપાલિકા દ્વારા રસ્તાઓના ખાડાઓના પેચવર્ક ઉપરાંત સાફસફાઈ, ડ્રેનેજ લાઈન મેઈન્ટેન્સ, માર્ગોની સામૂહિક સફાઈ, માખી મચ્છરના ઉપદ્ધવ સામે દવાનો છંટકાવ વગેરે કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની સૂચના અન્વયે નાગરિકોને પરિવહનમાં કોઈ જ મુશ્કેલી પડે નહીં તે માટે રાત દિવસ ભુજ નગરપાલિકા દ્વારા સમારકામ અને તેના સંબંધિત તમામ કામગીરી કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA