ચંદીગઢ, નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.). બુધવારે સતત ત્રીજા દિવસે અમૃતસરમાં શ્રી દરબાર સાહિબને આરડીએક્સ થી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેલ દ્વારા ધમકીઓ મળ્યા બાદ સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે. દરબાર સાહિબ પરિસરની બહાર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) તૈનાત કરવામાં આવી છે.
બુધવારે ધમકી મળ્યા બાદ, પોલીસે અહીં કાયમી ધોરણે બોમ્બ સ્ક્વોડ તૈનાત કરી દીધી છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (એસજીપીસી) ને અગાઉ સોમવાર અને મંગળવારે પણ મેઇલ મળ્યો હતો. બુધવારે મળેલા ઈ-મેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાઈપો આરડીએક્સ થી ભરેલા હશે અને મંદિરની અંદર વિસ્ફોટ કરવામાં આવશે. મેઇલ મળ્યા બાદ, એસજીપીસી ની માહિતી પર પોલીસે પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ડોગ અને બોમ્બ સ્ક્વોડ તપાસ માટે પહોંચી ગઈ. સતત ધમકીઓ મળ્યા બાદ પોલીસ એલર્ટ પર છે. મંગળવારે ધમકી મળ્યા બાદ, દરબાર સાહિબ પરિસરમાં બીએસએફ જવાનો અને પોલીસ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. દરેક મુલાકાતીની તપાસ કરવામાં આવી રહી છે.
એસજીપીસી ના વડા હરજિન્દર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, 15 જુલાઈના રોજ કેરળના મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશના નકલી આઈડી પરથી બીજો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આજે સવારે આસિફ કપૂર નામના ઈમેલ એડ્રેસ પરથી એક ઈમેલ આવ્યો હતો. આ ઈમેલ મુખ્યમંત્રી ભગવંત માનને પણ મોકલવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, લાંબા સમયથી આપણી શ્રદ્ધાના કેન્દ્ર સુવર્ણ મંદિરને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. 1984માં શ્રી દરબાર સાહિબને ઘણું નુકસાન થયું હતું. કેટલાક લોકોને ગુરુઓએ આપેલા ઉપદેશો પસંદ નથી. 14 જુલાઈથી સતત ધમકીભર્યા ઈમેલ આવી રહ્યા છે. પોલીસે આ મામલે નક્કર કાર્યવાહી કરવી જોઈએ અને આરોપીઓની ધરપકડ કરવી જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ