નવી દિલ્હી, 16 જુલાઈ (હિ.સ.). ભારતીય દિગ્ગજ અને રેકોર્ડ ગોલસ્કોરર સુનિલ છેત્રીએ, દેશમાં ફૂટબોલની વર્તમાન સ્થિતિને 'ખૂબ જ ચિંતાજનક' ગણાવી છે. સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટમાં, તેમણે ઇન્ડિયન સુપર લીગ (આઈએસએલ) મુલતવી રાખ્યા પછી ખેલાડીઓ અને સ્ટાફમાં વધતી અનિશ્ચિતતા અને ભય અંગે ચિંતા વ્યક્ત કરી.
છેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ભારતીય ફૂટબોલની વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. મને ખેલાડીઓ, સ્ટાફ સભ્યો, ફિઝિયો, માલિશ કરનારાઓ, પણ અન્ય ક્લબો તરફથી પણ ઘણા સંદેશા મળ્યા છે. આ અનિશ્ચિતતા અંગે દરેક વ્યક્તિ ચિંતિત, ભયભીત અને દુઃખી છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે આ મહિનાની શરૂઆતમાં આઈએસએલ આયોજકો ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડ (એફએસડીએલ) અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ) વચ્ચે કોઈ કરાર ન થયા બાદ ભારતની ટોચની પુરુષોની ફૂટબોલ લીગ આઈએસએલ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે.
જોકે, છેત્રીએ આશા પણ વ્યક્ત કરી હતી કે પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરશે. તેમણે કહ્યું, મને ખાતરી છે કે જેઓ રમત ચલાવી રહ્યા છે તેઓ સીઝન ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મને આશા છે કે, ટૂંક સમયમાં કોઈ નક્કર ઉકેલ મળશે. છેત્રી આઈએસએલ ની શરૂઆતની સીઝનમાં મુંબઈ સિટી એફસીનો ભાગ હતા અને 2013 થી બેંગલુરુ એફસી સાથે બે વખત જોડાયેલા છે. તેમણે ક્લબ સાથે અત્યાર સુધીમાં સાત ટાઇટલ જીત્યા છે, જેમાં બે I-લીગ અને એક આઈએસએલ ટાઇટલનો સમાવેશ થાય છે. તેમની પોસ્ટમાં, તેમણે ખેલાડીઓ અને ફૂટબોલ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને એકતાનો સંદેશ પણ આપ્યો. તેમણે લખ્યું, મારી પાસે બધા જવાબો ન હોય શકે, પરંતુ મારો સંદેશ તે બધા માટે છે જેમની આજીવિકા આ રમત સાથે જોડાયેલી છે. આપણે સાથે મળીને આ તોફાનને દૂર કરીશું. એકબીજાને ટેકો આપો. પ્રેક્ટિસ ચાલુ રાખો અને પોતાને સુધારતા રહો. ફૂટબોલ ફરી શરૂ થશે... અને ટૂંક સમયમાં થશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ