જમ્મુ, નવી દિલ્હી, 17 જુલાઈ (હિ.સ.). છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદને કારણે, પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પ બંનેમાંથી અમરનાથ યાત્રા, આજે એટલે કે ગુરુવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. આ પ્રતિબંધ એવા સમયે લાદવામાં આવ્યો છે, જ્યારે અધિકારીઓ ભારે વરસાદથી પ્રભાવિત યાત્રાળુઓના માર્ગો પર તાત્કાલિક સમારકામ કરવામાં વ્યસ્ત છે.
જમ્મુ અને કાશ્મીરના જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદને કારણે, બંને માર્ગો પર સમારકામનું કામ જરૂરી બન્યું છે. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા 18 જુલાઈએ બંને બેઝ કેમ્પથી યાત્રા શરૂ થાય તે પહેલાં કાર્ય પૂર્ણ કરવા માટે તેના કર્મચારીઓ અને મશીનો તૈનાત કરવામાં આવ્યા છે. આ વર્ષે આ પહેલી વાર છે જ્યારે જમ્મુથી યાત્રા એક દિવસ માટે બંધ કરવામાં આવી છે.
કાશ્મીરના વિભાગીય કમિશનર વિજય કુમાર બિધુરીએ પણ યાત્રા સ્થગિત કરવાની પુષ્ટિ કરી અને કહ્યું કે, હવામાનની સ્થિતિના આધારે યાત્રા 18 જુલાઈએ ફરી શરૂ થવાની ધારણા છે. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે, બંને રૂટ પર તાત્કાલિક સમારકામ અને જાળવણી કાર્ય કરવાની જરૂર છે, તેથી આજે બંને બેઝ કેમ્પથી પવિત્ર ગુફા તરફ કોઈ પણ પ્રકારની અવરજવરને મંજૂરી આપવામાં આવશે નહીં તે નક્કી કરવામાં આવ્યું છે. જોકે, ગઈકાલે રાત્રે પંજતરણી કેમ્પમાં રોકાયેલા યાત્રાળુઓને બીઆરઓ અને પર્વત બચાવ ટીમોની પૂરતી તૈનાતી હેઠળ બાલતાલ જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. દિવસ દરમિયાન હવામાનની સ્થિતિને આધારે આવતીકાલે યાત્રા ફરી શરૂ થવાની સંભાવના છે.
ત્રણ જુલાઈથી યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 2.35 લાખથી વધુ યાત્રાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ