નવી દિલ્હી, 17 જુલાઈ (હિ.સ.) સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે સ્વચ્છ ભારત મિશન 2.0 અને સર્ક્યુલર ઇકોનોમીના વધતા પ્રભાવને વિસ્તૃત રીતે સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે વર્ષ 2014માં શરૂ થયેલા સ્વચ્છ ભારત મિશને માત્ર પાંચ વર્ષમાં, 2019 સુધી દેશમાં ખુલ્લામાં શૌચથી મુક્તિ (ઓ.ડી.એફ.) જાહેર કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. આ સફળતાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સમર્પિત કરતાં તેમણે કહ્યું કે, સ્વચ્છતા એ એક સતત પ્રક્રિયા છે, જે કદી અટકતી નથી.
મંત્રીએ જણાવ્યું કે, સ્વચ્છ ભારત મિશન 2.0 ને 01 ઓક્ટોબર 2021થી કચરામુક્ત શહેરોના લક્ષ્ય સાથે આગળ વધારવામાં આવ્યું છે. આ અંતર્ગત સમગ્ર દેશમાં 80 ટકા ઘન કચરાનું વૈજ્ઞાનિક રીતે સંસ્કરણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે ઘરેઘરે જઈને કચરો એકત્રિત કરવાની ગાળવણી 98 ટકા સુધી પહોંચી છે. આજે દેશના અનેક શહેરોએ 5 અને 7 સ્ટાર ગાર્બેજ ફ્રી સિટી રેટિંગ મેળવી છે, જે આ અભિયાનની સફળતાનું પ્રતિક છે.
તેમણે જણાવ્યું કે, હવે માત્ર કચરો દૂર કરવો નહીં, પણ તેનો પુનઃઉપયોગ કરીને ઉપયોગી બનાવવો સરકારની પ્રાથમિકતા બની છે. કચરામાંથી કમ્પોસ્ટ ખાતર, બાયો ગેસ અને બાંધકામના મલબામાંથી ઈંટો બનાવવામાં આવી રહી છે. સાથે સાથે, સીવેજ ટ્રીટમેન્ટ પછી પાણીને ખેતી અને ઉદ્યોગોમાં ફરીથી ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. આ બધું સર્ક્યુલર ઇકોનોમીના એ સિદ્ધાંતને દર્શાવે છે જ્યાં ‘વેસ્ટ પણ બેસ્ટ’ બની રહ્યો છે. મંત્રીએ તાજેતરમાં જારી થયેલા જયપુર ડિકલેરેશનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ સર્ક્યુલર ઇકોનોમી અપનાવવા દિશામાં એક મોટું પગલું છે, જે સંસાધન કાર્યક્ષમતા અને ટકાઉ વિકાસને વેગ આપે છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ