મહેસાણા, 18 જુલાઈ (હિ.સ.) : વિસનગરની સંજીવની હોસ્પિટલ ફરી એકવાર તેના તબીબી કૌશલ્ય માટે ચર્ચામાં છે. હોસ્પિટલના તજજ્ઞ તબીબ ડો. અરુણભાઈ રાજપૂતે વિજાપુર તાલુકાના કમાલપુર ગામના રહેવાસી રમેશજી ઠાકોરના મૂત્રાશયમાંથી 400 ગ્રામ વજનની, લગભગ 80 મિ.મી. કદની મોટી પથરી સફળતાપૂર્વક બહાર કાઢી છે.
રમેશજી છેલ્લા છ મહિના થી તીવ્ર દુખાવાથી પીડાતા હતા. અનેક સારવાર પછી પણ રાહત ન મળતાં તેઓ 7 જુલાઈએ સંજીવની હોસ્પિટલમાં દાખલ થયા. તબીબે રિપોર્ટ્સની પુષ્ટિ બાદ બુધવારે સર્જરી કરી, જેમાં આ પથરી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી. હાલ દર્દી સ્વસ્થ છે અને આખી સમસ્યા પરથી મુક્તિ મળી છે.
ડો. અરુણભાઈ જણાવે છે કે સમયસર સારવાર ન લેવાના કારણે ઘણીવાર પથરી મોટી થઈ જાય છે અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. દર્દી પરિવારજનો અને સગાંએ હોસ્પિટલ અને તબીબનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે હવે તેમને આશાની કિરણ મળી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ