અમરેલી 18 જુલાઈ (હિ.સ.) આજરોજ અમરેલી જિલ્લામાં પાણી પુરવઠાની સુવિધાઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે. રાજ્યના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ તથા અમરેલી જિલ્લાના લોકસભા સાંસદ શ્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં મહત્વની કાર્યવાહી કરવામાં આવી. ઠેબી સિંચાઈ યોજના માટે મંજૂરી મળ્યા બાદ પ્રથમવાર ઠેબી ડેમની મુલાકાત લેવાઈ હતી.મંત્રશ્રીએ સ્થાનિક અધિકારીઓ, વિભાગીય ઈજનેરો અને પ્રોજેક્ટ સંબંધિત અધિકારીઓ સાથે મળીને ડેમની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન ઠેબી ડેમમાં વર્તમાન જળસંગ્રહની સ્થિતિ, ડેમની ગતિવિધિઓ તથા પાઈપલાઈન મારફતે આગામી સમયમાં શક્ય બનતા પાણી પુરવઠાની વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં પીવા માટેના પાણીની સમસ્યાને નિરાકરણ તરફ દોરતી આ યોજનાને વહેલી તકે પુરી કરવા માટે તાકીદના આદેશો પણ આપવામાં આવ્યા.
મંત્રીએ અધિકારીઓને સૂચના આપી કે યોજનાની કામગીરીમાં કોઈપણ પ્રકારની ઢીલાશ નહીં રાખવી તથા ગુણવત્તા તથા સમયસીમા અંતર્ગત કામગીરી પૂર્ણ કરવાની કડક સુચના આપી. નાગરિકોને શ્રેષ્ઠ અને નિયમિત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવાના સંકલ્પ સાથે આ યોજનાને પ્રાધાન્ય આપવાની વાત પણ કરવામાં આવી. આમ, આગામી સમયમાં ઠેબી ડેમ મારફતે અમરેલી જિલ્લાના ગામડાઓમાં સુધારાયેલા પાણી પુરવઠાની આશા સાથે વિકાસકાર્યોને ઝડપી ગતિ અપાઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek