ભાવનગર, 18 જુલાઈ (હિ.સ.) ભાવનગર શહેરમાં આજે એક અપ્રિય બનાવ સર્જાયો હતો, જયાં શહેરમાં નિકાસ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા બીએમસીનું મીની ડ્રેનેજ ક્લિનિંગ વાહન ચાલું હાલતમાં અચાનક રોડ વચ્ચે સળગી ઊઠ્યું હતું. મળતી માહિતી અનુસાર શહેરના મધ્ય વિસ્તારથી પસાર થતા માર્ગ પર નિયમિત સફાઈ કામગીરી દરમ્યાન ચાલતી વેળાએ વાહનમાં આગ લાગી હતી.આકસ્મિક આગ લાગતા વાહન ચાલક અને આસપાસ હાજર લોકોને દોડધામ મચી ગઈ હતી. આગ ઝડપથી ફેલાતા વાહનમાંથી ધુમાડાનો ઘાટ ઉઠતો નજરે પડ્યો હતો. લોકો તરત જ દૂર દોડ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગ લાગવાના કારણ અંગે પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવાઈ રહ્યું છે, પરંતુ સચોટ કારણ અંગે તપાસ ચાલુ છે.આગજણીની ઘટના સ્થળે ફાયર ફાઈટરો પહોંચ્યા બાદ પાણીના મારો ચલાવીને થોડા સમયની જદોજહદ બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, મીની ડ્રેનેજ વાહન સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયું છે.
હવે શહેર નગરપાલિકા દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવાઈ છે અને તે વાહનના મેન્ટેનેન્સ સંબંધિત રેકોર્ડ પણ ચકાસી રહ્યા છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક પણ થોડો સમય માટે અટકાવી દેવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek