ભુજ - કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) ગંભીરા પુલ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કચ્છમાં પણ જુદા જુદા તાલુકાઓમાં પુલની ચકાસણી શરૂ કરવામાં આવી છે. અગાઉ બે પુલ બંધ કરવામાં આવ્યા છે અને હજુ પણ ભારે વાહનો માટે પ્રતિબંધ સહિતના પગલાં ભરાઇ રહ્યા છે. બારોઇ, બાયા સહિતના પુલ ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી ફરમાવાઇ છે.
ચિત્રોડ-રાપર-બાલાસર રોડ ખારી નદી પુલ બંધ
બે દિવસ દરમિયાન, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.-927-સી ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર રાપરથી બાલાસર વચ્ચે ખારીનદી ઉપર આવેલો જૂનો પુલ બંધ કરાયો છે. વૈકલ્પિક માર્ગ તરીકે રાપર, કલ્યાણપર, સેલારી, ફતેહગઢ, મૌવાણા, બાલાસર રસ્તા પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે.
પશ્ચિમ કચ્છમાં બે બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રતિબંધ
અન્ય એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.-41 માંડવી, નલિયા, નારાયણ સરોવર રોડ પરનો લાયજા-બાયઠ રોડ પરનો પુલ તથા બાયઠ-દેઢિયા રોડ પર આવેલો પુલ ભારે-અતિભારે વાહનો માટે બંધ કરાયો છે. આ માર્ગ બંધ થતાં તેના વૈકલ્પિક માર્ગ તરીકે લાયજા મોટા ચોકડી-બાડા-બાયઠ-દેઢિયા રસ્તા પરથી ભારે/અતિભારે વાહનો અવર-જવર કરી શકશે અને કોઠારાથી માંડવી વાયા મોથાળા-ગઢશીશા રસ્તા પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે તેવું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA