અમરેલી 18 જુલાઈ (હિ.સ.) : આજરોજ અમરેલી શહેરમાં તમાકુ નિયંત્રણ કાયદાની અમલવારી સુનિશ્ચિત કરવા માટે તામાકુ નિયંત્રણ એન્ફોર્સમેન્ટ સ્કવોડ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પાન મસાલા, બીડી, સિગરેટ અને તમાકુના ઉત્પાદનો વેચતી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન COTPA-2003 (The Cigarettes and Other Tobacco Products Act-2003) ની વિવિધ કલમો હેઠળ તમાકુ ઉત્પાદનોની ગેરકાયદે વેચાણના મામલાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અંદાજિત 17 દુકાનદારોની સામે નિયમભંગના કેસ નોંધવામાં આવ્યા હતા. તેઓએ સતર્કતા સૂચનાઓ, ચેતવણી સુચના પાટિયા, અને પ્રમાણીક વેચાણની જોગવાઈઓનું પાલન ન કરતાં કેસ દાખલ કરાયા હતા.
આ તમામ કેસો સામે કુલ રૂ. 3,100/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. કામગીરી દરમિયાન દુકાનદારોને તમાકુના ઉત્પાદનો વેચતી વખતે કાયદાની જોગવાઈઓનું પાલન કરવા અને નિયમિત ચેતવણી સૂચનાઓ દર્શાવવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ડ્રાઈવના માધ્યમથી તમાકુના સેવન અને વેચાણ પર નિયંત્રણ લાવી લોકોને તેની હાનિકારક અસરોથી બચાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આવનારા દિવસોમાં પણ આવા ચેકિંગ અભિયાનો સતત ચાલુ રાખવાની તંત્ર દ્વારા જાણકારી આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek