ગાંધીનગર, 18 જુલાઈ (હિ.સ.) : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લાના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી દ્વારા વર્ષ 2025-26 માટે જિલ્લામાં નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધા યુવક-યુવતીઓ માટે માત્ર નૃત્યપ્રતિભા દર્શાવવાનો પણ લોકસંસ્કૃતિના ઉત્સવને ઉજવવાનો પણ અનોખો અવસર બની રહેશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકો માટે વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં પ્રાચીન તથા અર્વાચીન ગરબા માટે 14થી 35 વર્ષ અને રાસ માટે 14થી 40 વર્ષની વયના સ્પર્ધકોને સામેલ થવાની તક મળશે. ભાગ લેનારા સ્પર્ધકો માટે નિયત નમૂનામાં અરજીપત્રક બે નકલમાં ભરવું ફરજિયાત રહેશે અને સાથે પોતાનું આધારકાર્ડ પણ જોડવું પડશે, જે જન્મતારીખના પુરાવા તરીકે માન્ય રહેશે. દરેક સ્પર્ધકે અરજીપત્રકમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવો જરૂરી રહેશે કે તેઓ કઈ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે – પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા કે રાસ.
સંપૂર્ણ ભરેલું અને આવશ્યક દસ્તાવેજો જોડેલું અરજીપત્રક મહેસાણાની જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, ઓફિસ નં. 1/3, બહુમાળી ભવન, રાજમહેલ રોડ, મહેસાણા – 384001 પર રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલવું રહેશે. આવું અરજીપત્રક તારીખ 24 જુલાઈ 2025 સુધીમાં કચેરીએ પહોંચી જવું જોઈએ. ઉક્ત તારીખ બાદ મળતી અરજીઓ માન્ય ગણાશે નહીં.
આ યોજનાના વડા અધિકારીએ જણાવ્યું કે, નવરાત્રી જેવી લોકસંસ્કૃતિને ઉજવવા, યુવાનોને કળાત્મક અભિવ્યક્તિ માટે મંચ પૂરું પાડવા અને તેમને રાજ્ય કક્ષાએ આગળ વધવા માટે પ્રેરણા આપવા આ સ્પર્ધાનું આયોજન દર વર્ષે ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે. મહેસાણા જિલ્લાના યુવાનો આ આયોજનમાં ઊત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવે અને પરંપરાને જીવંત રાખે એ હેતુથી વિશેષ અનુરોધ પણ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ