ભુજ - કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) અંજાર તાલુકાના રતનાલ ગામની પ્રાથમિક કુમાર શાળામાં શિક્ષક ન હોવાના કારણે શુક્રવારે સવારના ભાગમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો. ખાસ કરીને મહિલાઓએ બાળકો સાથે જઇને ગ્રામ પંચાયતના સત્તાધિશો સમક્ષ શિક્ષક મૂકવા અને મધ્યાહ્ન ભોજનનું રસોડું સરખું ચલાવવા માટે ભારપૂર્વક રજૂઆતો કરી હતી.
ધારાસભ્ય રતનાલના જ છે
નોંધનિય બાબત એ છે કે, અંજાર મત વિસ્તારના ધારાસભ્ય પણ રતનાલ ગામના છે. વ્યવસાયે મૂળ શિક્ષક છે ત્યારે તેમના ગામમાં શિક્ષકની ઘટનો વિરોધ થાય એ રાજકીય અને સામાજિક બંને રીતે ચર્ચાસ્પદ બન્યું છે. જોકે આ મામલે ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો પરંતુ વાત થઇ શકી ન હતી. ઉલ્લેખનિય છે કે રતનાલ એક ટ્રાન્સપોર્ટનગર તરીકે પણ ઓળખાય છે.
કુમાર શાળા કો શિક્ષક દોના નારા લાગ્યા
રતનાલ કુમાર શાળાના વિદ્યાર્થીઓએ આજે કચ્છમાં શિક્ષકોની ભરતી જલદી કરો, હમારી માગે પૂરી કરો, કુમાર શાળા કો શિક્ષક દો સાથે રતનાલ ગામમાં રેલી કાઢીને શિક્ષણ તંત્રનો વિરોધ કર્યો હતો. તેમની સાથે વાલીઓ તરીકે મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઇ હતી. તલાટી બાબુભાઇ પ્રજાપતિ સમક્ષ રજુઆતો કરી હતી.
રસોડાની સમસ્યા મામલે પુછાણુ લીધું
ગામમાં રેલી ફર્યા બાદ વિદ્યાર્થીઓ અને મહિલાઓ ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને રીતસરનો ઘેરો ઘાલ્યો હતો. હાજર રહેલા તલાટીને મહિલાઓએ શિક્ષકોની ભરતી કરવા ઉપરાંત મધ્યાહ્ન ભોજન માટે રસોડું સરખું કરવા વારંવાર રજૂઆત દરમિયાન કહ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA