મહેસાણા, 18 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કાંસા ગામે ગણપતિપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ રાજ્યનું પહેલું સહકારી આધારિત એનિમલ હોસ્ટેલ તૈયાર કર્યું છે. આશરે ₹2.5 કરોડના ખર્ચે અને 8 વિઘા જમીનમાં સ્થાપાયેલ આ હોસ્ટેલ 500 પશુઓ માટે અદ્યતન શેડ, ઘાસચારો, પાણી અને તબીબી સેવાઓ જેવી સુવિધાઓથી સજ્જ છે.
મંડળીના પ્રમુખ જશુભાઈ પટેલ જણાવે છે કે સરકારી સહાય વિના ગ્રામજનોના સહયોગથી આ મોડલ તૈયાર થયું છે. શહેરી કરણ ના કારણે લોકોના ઘરો પાસે પશુઓ રાખવાની જગ્યા નહોતી, જેના કારણે ગંદકી અને રોગચાળો વધતો હતો. હવે એકસાથે પશુપાલન માટે વ્યવસ્થિત મંડળની અંદર સુવિધાઓ મળતી હોવાથી પશુપાલકોને મોટી રાહત મળી છે.
અગાઉ લોકોને ભાડે જગ્યા લેવા પડતી અને ચોરીની પણ ભીતિ રહેતી. આ મોડલ હવે અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યું છે અને આવા હોસ્ટેલ અન્ય વિસ્તારોમાં પણ શરૂ થાય તેવી લોકોમાં માંગ ઉઠી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ