પાટણ, 18 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે ₹110 કરોડના 101 વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત, સાંસદ ભરતસિંહ ડાભી તથા રાધનપુર, ચાણસ્મા અને પાટણના ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસ કાર્યોમાં આરોગ્ય કેન્દ્રો, શાળાના નવા ઓરડાઓ, ડ્રેનેજ સિસ્ટમ, પૂર સંરક્ષણ દિવાલો તેમજ સાંતલપુર ખાતે નવી સરકારી આર્ટ્સ કોલેજના ભવનનો સમાવેશ થાય છે.
ચામુંડા માતાજી મંદિર પરિસરમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને કુલ ₹44 લાખની સહાય પણ વિતરીત કરવામાં આવી છે.
સાંતલપુર તાલુકામાં શિક્ષણને વધુ મજબૂતી આપવા માટે ખાલી જગ્યાઓ માટે વિદ્યા સહાયકોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. આ પ્રસંગે સ્થાનિક લોકોને વિકાસના નવા દરવાજા ખુલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર