સુરત, 18 જુલાઈ (હિ.સ.)- જળસંચય અભિયાન હેઠળ સમગ્ર સુરત જિલ્લામાં સરકારી ગ્રાંટ, નાણા પંચની
ગ્રાંટ, CSR ફંડ અને સહકારી સંસ્થાઓના સહયોગથી લગભગ 60,000 જેટલા
જળસંચયના કામો પૂર્ણ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં સુરત જિલ્લો પ્રથમ સ્થાન પર
રહ્યો છે. આ સફળતા સુરત જિલ્લા પંચાયતના વહીવટી તંત્રની શ્રેષ્ઠ યોજના અને
વ્યૂહરચનાના પરિણામે શકય બની છે. વધુમાં જળ સંચયની કામગીરી મહત્તમ જન ભાગીદારી
સાથે થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા “જળ મિત્રની
નિમણૂંક કરવામાં આવી હતી. તેઓ સાથે ગયા મહિને જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારઘી તથા
જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ શિવાની ગોયલ, અધ્યક્ષ
સ્થાને જિલ્લા પંચાયત સુરત ખાતે ટ્રેનીંગનો સેમિનાર યોજાયો હતો.
ચોમાસા પહેલા સુરત જિલ્લા દ્વારા ગત વર્ષમાં તૈયાર કરાયેલ જળ સંચયના એકમોની
સાફ-સફાઇ અને જરુરી મરામત કરવાની કામગીરી કરવામાં આવી છે જેથી મહત્તમ વરસાદના
પાણીનું જમીનમાં સંગ્રહ થઈ શકે. જળ
સંચય ત્યારે જ મજબૂત, ટકાઉ અને અસરકારક બને છે જ્યારે સમાજના બધા જ સમુદાય
જોડાય છે. લોકો સાથે મળીને પાણીના સંસાધનોનું યોગ્ય સંચાલન અને સંરક્ષણ થઈ શકે છે.
જ્યારે સમુદાયનો સહયોગ અને ભાગીદારી હોય છે, ત્યારે જળ
સંચય પ્રોજેક્ટ્સ સફળ થતા હોય છે અને પાણીની અછતને ઘટાડવામાં મોટું યોગદાન મળે છે.
શરુઆતના તબક્કામાં જળસંચય અભિયાન માત્ર સરકારી કચેરીઓ, શાળા-કોલેજો
અને જાહેર ક્ષેત્રની મિલકતો તથા ગ્રાઉન્ડમાં જળ સંચયના એકમો બનાવવામાં આવેલા હતા. પરંતુ હવે આ અભિયાનને ગ્રામીણ વિસ્તારના
રહેણાંકના ઘરો અને રહેણાંક સોસાયટી સુધી
વિસ્તૃત કરવામાં આવ્યું છે.
જેથી ખાનગી માલિકીના મકાન / જગ્યામાં જળસંચયના પ્રોત્સાહન માટે જિલ્લા
પંચાયત સ્વભંડોળમાં રૂ.50 લાખની જોગવાઇ કરવામાં આવી છે અને ઘરદીઠ પ્રોત્સાહક
ગ્રાંટ આપવા અંગેની યોજના તા.18/07/2025ના રોજ યોજાયેલી કારોબારી બેઠકમાં મંજુર
કરવામાં આવી છે. આ
યોજના હેઠળ લાભાર્થી પોતાનાં રહેણાક સ્થળે જળસંચયના એકમ બનાવશે. બનાવેલા એકમોની
ટેકનિકલ ચકાસણી જિલ્લા પંચાયત સુરતની
સિંચાઇ શાખા દ્વારા કરવામાં આવશે અને જળ સંચય એકમની યોગ્યતાની ચકાસણી બાદ
લાભાર્થીને પ્રોત્સાહક સહાય મંજુર કરવામાં આવશે.
આમ, સુરત
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના સ્થાનિકો જળ સંચયના મહત્વ વિશે જાગૃત થશે અને લોકોમાં
વરસાદના પાણીને વધુમાં વધુ રીતે જમીનમાં સંગ્રહ થાય તેવા પ્રકારના પ્રયત્નો કરવા
માટે પ્રેરણા મળશે, જેના કારણે
રહેણાક વિસ્તારોમાં પણ જળસંચય એકમો વધુ
પ્રમાણમાં સ્થાપિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે