પાટણ, 18 જુલાઈ (હિ.સ.) : પેદાશપુરા ગામની સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા 108 હેલ્પલાઇન પર કોલ કરવામાં આવ્યો હતો. વારાહી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસના EMT સુધીરદાન ગઢવી અને પાઇલોટ નસીબ ખાન તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મહિલાને રાધનપુર સરકારી હોસ્પિટલ લઈ જવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
જ્યારે એમ્બ્યુલન્સ હોસ્પિટલના ગેટ નજીક પહોંચતી હતી ત્યારે મહિલાની સ્થિતિ ગંભીર બની હતી. EMT સુધીરદાન ગઢવીએ તાત્કાલિક અમદાવાદના 108 ઇમરજન્સી ERCp ડૉ. કૃષ્ણાબેનની સલાહ લીધી. તપાસમાં 'શોલ્ડર ડિસ્ટોસિયા'નો કેસ જણાતા, તેમણે ખાસ ટેકનિક અને ડિલિવરી કીટનો ઉપયોગ કરીને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી.
માતા અને નવજાત બાળકીને રાધનપુર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સની ટીમે સમયસર અને દક્ષતાપૂર્વક કાર્યવાહી કરી હતી, જેના કારણે બંનેનો જીવ બચી ગયો હતો. EMRI ગ્રીન હેલ્થ સર્વિસના પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી અને EME નીતિન ગોરાદરાએ ટીમના આ સેવા કાર્યોની પ્રશંસા કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર