પાટણ, 18 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના દેલિયાથરા ગામમાં પારિવારિક વિવાદને પગલે હિંસક ઘટના સામે આવી છે. ગાંધીખાન બચલખાન બલોચ અને હનીફખાન ગાંધીખાન બલોચે ઝરીનાબેન અને તેમના પુત્ર સલીમ પર લાકડી વડે હુમલો કર્યો હતો.
ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે આરોપીઓ ઝરીનાબેનના ઘરે આવ્યા અને તેમની પ્રેગ્નન્ટ દીકરીની દવા કરાવવાની માગણી કરી. ઝરીનાબેને દીકરીને ઘરે મોકલી દવાખાને લઈ જવાનું કહ્યું, જેના પર આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ગાડીમાંથી લાકડી કાઢી ઝરીનાબેનના માથા અને શરીર પર માર મર્યો. આ વચ્ચે પડેલા તેમના પુત્ર સલીમને પણ ઇજા પહોંચાડવામાં આવી.
સરસ્વતી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 135 સહિત ભારતીય ન્યાય સંહિતા કલમો 118(2), 115(2), 296(બી), 351(3), અને 54 હેઠળ ગુનો નોંધ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો પણ ભંગ કરાયો હોવાનું પોલીસએ જણાવ્યું છે. હાલમાં પોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર