સુરત, 18 જુલાઈ (હિ.સ.)- સુરતમાંથી આત્મહત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુણા વિસ્તાર પાસે એક ટેમ્પો ટ્રક પસાર થઈ રહી હતી. ત્યારે એક યુવક સીધો જ પાછળના વ્હિલ નીચે કુદકો લગાવી સૂઈ ગયો હતો. જેથી ટેમ્પો ટ્રકના ટાયર તેની કમરની માથેથી પસાર થઈ જતાં યુવકનું ક્ષણવારમાં જ મોત નીપજ્યું હતું. આપઘાતના અરેરાટીભર્યા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયાં હતાં. હાલ પોલીસે સમગ્ર બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેના દ્રશ્યો વિચલિત કરી દે તેવા છે.
મૃતક નિલેશનો આપઘાત સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો હતો. નિલેશ બાઇક ચલાવીને બહેનના સસરા સાથે આવે છે. બાઈક ઊભી રાખી બહેનના સસરાને માવો લેવા મોકલે છે. ત્યાર બાદ તે કોઈ મોટા વાહન આવવાની રાહ જોઈ રહ્યો હતો. દરમિયાન કોઈને કોલ પણ લગાવે છે અને ત્યાર બાદ કોલ કટ કરીને મોબાઈલ ફોન ખીચામાં મૂકી દે છે. આ દરમિયાન જેવો ટેમ્પો ટ્રક આવે કે તરત જ તેની સામે જમ્પ લગાવી મોતને વ્હાલું કરી દે છે.
પુણાગામ નિલેશ ભાવેશભાઈ વાઘમશી(ઉ.વ.આ. 31) પરિવાર સાથે રહેતો હતો. નિલેશના પરિવારમાં માતા-પિતા અને ભાઈ છે. નિલેશ વર્ષોથી તેના ભાઈની સાથે કાપડના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. નિલેશ તેની બહેન અને તેના સસરા સાથે બહેનના ઘરે ગયો હતો. જ્યાંથી પરત બાઈક પર બહેનના સસરા સાથે પરત ઘરે આવતો હતો. દરમિયાન પુણા કંગારુ સર્કલ પાસે ખેતલાઆપા ટી-સ્ટોલની પાસે નિલેશે બાઈક ઊભી રાખી હતી, જ્યાં તેણે આઈસર ટેમ્પો ટ્રક પસાર થતાંની સાથે જ તેણે પડતું મૂક્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે