લોકશાહીનો સાર વિચારોના આદાન-પ્રદાન અને સકારાત્મક ચર્ચામાં છે, મુકાબલામાં નહીં: ધનખડ
નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.) સંસદના ચોમાસુ સત્રની શરૂઆતમાં, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડએ, સોમવારે સભ્યોને સંબોધન કરતા રાજકીય પક્ષોને સંવાદિતા અને પરસ્પર આદરની ભાવના જાળવવા અપીલ કરી. તેમણે કહ્યું કે, સતત મતભેદના વાતાવરણમાં જીવંત લોકશાહી ખીલી શકતી નથ
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ


નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.) સંસદના ચોમાસુ સત્રની શરૂઆતમાં, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડએ, સોમવારે સભ્યોને સંબોધન કરતા રાજકીય પક્ષોને સંવાદિતા અને પરસ્પર આદરની ભાવના જાળવવા અપીલ કરી. તેમણે કહ્યું કે, સતત મતભેદના વાતાવરણમાં જીવંત લોકશાહી ખીલી શકતી નથી. તેમણે તમામ પક્ષોને પરામર્શ, સંવાદ અને ચર્ચાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી.

ધનખડએ કહ્યું કે, લોકશાહીનો સાર મુકાબલામાં નથી, પરંતુ વિચારોના આદાન-પ્રદાન અને સકારાત્મક ચર્ચામાં છે. તેમણે કહ્યું કે ભલે રાજકીય પક્ષો અલગ અલગ માર્ગો દ્વારા પોતાના લક્ષ્યો સુધી પહોંચવા માંગતા હોય, પણ કોઈ પણ રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ નથી. તેથી, સંવાદની સંસ્કૃતિ અપનાવવાની અને મુકાબલા ટાળવાની જવાબદારી દરેકની છે.

અધ્યક્ષે ટેલિવિઝન અથવા અન્ય જાહેર મંચ પર નેતાઓ સામે અભદ્ર ભાષા અને વ્યક્તિગત હુમલાઓ ટાળવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, આવું વર્તન આપણી સભ્યતા અને સંસદીય ગરિમાના મૂળભૂત સ્વભાવની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, દેશને નબળો પાડનારા તત્વો આપણા આંતરિક મતભેદોનો લાભ લે છે, તેથી પરસ્પર સંઘર્ષો ફક્ત આપણા દુશ્મનોને જ મજબૂત બનાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની ઐતિહાસિક તાકાત સંવાદ અને વિચારોના આદાન-પ્રદાનમાં રહી છે અને આ પરંપરા સંસદને પણ માર્ગદર્શન આપે છે.

ધનખડે કહ્યું કે, લોકશાહીમાં શાસક પક્ષ અને વિપક્ષ બંનેની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, બધા રાજકીય પક્ષો રચનાત્મક રાજકારણ કરે જે ભારતની પ્રગતિ સુનિશ્ચિત કરે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, જો બધા પક્ષો સહયોગ અને સકારાત્મક ભાગીદારી દર્શાવે છે, તો આ ચોમાસુ સત્ર ખૂબ જ ઉપયોગી અને અર્થપૂર્ણ સાબિત થશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande