કુશીનગર/નવી દિલ્હી, ૨૨ જુલાઈ (હિ.સ.) કુશીનગર એરપોર્ટ પરથી હવે રાત્રે પણ વિમાનોની લેન્ડિંગ અને ટેકઓફ શક્ય બનશે. ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા કુશીનગર એરપોર્ટને અપગ્રેડ કરીને તેને આઈએફઆર કેટેગરીમાં જાહેર કરાયો છે.
મંગળવારે ડીજીસીએ દ્વારા આ એરપોર્ટ માટે ઇન્સ્ટ્રુમેન્ટ ફ્લાઈંગ રૂલ્સ (આઈએફઆર) નું લાઇસન્સ જારી કરાયું છે. હવે આ એરપોર્ટ વિઝ્યુઅલ ફ્લાઈંગ રૂલ્સ (વીએફઆર) કેટેગરીમાંથી ઇન્સ્ટ્રુમેન્ટ ફ્લાઈંગ રૂલ્સ (આઈએફઆર) કેટેગરીમાં આવરી લેવામાં આવ્યો છે. હવે અહીંથી દિવસ અને રાત્રે બંને સમયગાળામાં વિમાનોની ઉડાન શક્ય બનશે. એરપોર્ટ પ્રશાસને શિયાળા સીઝનમાં નિયમિત ઉડાનો શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
હકીકતમાં, કુશીનગર એરપોર્ટને આઈએફઆર કેટેગરીનું લાઇસન્સ આપવા માટે છેલ્લા બે વર્ષથી પ્રક્રિયા ચાલી રહી હતી. એ માટે એરપોર્ટ પર ડોપ્લર વેરી ઓમ્ની રેન્જ (ડીવીઓઆર), ડિસ્ટન્સ મેજરિંગ ઇક્વિપમેન્ટ (ડીએમઈ) અને નોન બેન્ડેડ નેવિગેશન (એનબીએન) સહિતના અન્ય નેવિગેશનલ સિસ્ટમ્સ લગાડવામાં આવ્યા છે. ત્યારબાદ ડીજીસીએના નિરીક્ષણ વિમાને ત્રણ દિવસમાં બાર વખત ઉડાન ભરીને નેવિગેશનલ સિસ્ટમ્સની ચકાસણી કરી હતી.
ડીજીસીએની અલગ અલગ નિષ્ણાતોની ટીમોએ ત્રણ વખત મુલાકાત કરીને અહીંના સિસ્ટમ્સનું મૂલ્યાંકન કર્યું હતું. છેલ્લી વખત ડીજીસીએની ટીમે સહાયક ડિરેક્ટર વેદપ્રકાશ પ્રજાપતિના નેતૃત્વમાં ૧૦ જૂને નિરીક્ષણ કરી તેની અંતિમ રિપોર્ટ ડીજીસીએને સોંપી હતી. આ રિપોર્ટના આધારે કુશીનગર એરપોર્ટને આઈએફઆર લાઇસન્સ અપાયું છે.
આ અંગે એરપોર્ટ ડિરેક્ટર પ્રાણેશ રાએ જણાવ્યું હતું કે, લાઇસન્સ અપગ્રેડ થવાથી કનેક્ટિવિટીમાં સુધારો થશે, નવા અવસરો ઉભા થશે અને એરપોર્ટના વિકાસને ગતિ મળશે. શિયાળાની ઋતુથી નિયમિત ઉડાનો શરૂ થવાની સંભાવના છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ